________________
આવી આધ્યાત્મિક જાગૃતિનું મૂળ છે દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતવિષયક મહાકરુણા.
એક આત્મા, જગતના સર્વ જીવો પ્રત્યેની પોતાની જવાબદારીના પાલનમાં જેમ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમ તેની સમગ્રતાને સર્વકલ્યાણભાવની સાચી પ્રેરણા તે મહાકરુણાના વિરલ યોગમાંથી થતી હોય છે.
એટલે ત્રિભુવનમાં શાસન શ્રીઅરિહંત પરમાત્માની મહાકરુણાનું ચાલી રહ્યું છે અને આપણે તે શાસનના અંગભૂત છીએ તે હકીકત સર્વજીવહિતવિષયક આપણી જવાબદારીને જીવંત સત્યરૂપે આપણા વિચારપ્રદેશમાં સ્થિર બનાવે છે.
ઊંચે ગયેલું વૃક્ષ અનેક જીવોને છાયા ઢોળીને પોતાના પદને સાર્થક કરે છે, ઊંચે ચઢેલું વાદળું જળ વરસાવીને પોતાના દરજજાને દીપાવે છે, તેમ પૂર્વના મહાપુણ્ય શ્રીઅરિહંત પરમાત્માના પરમતારક શાસનના અંગભૂત બનેલા ભાગ્યશાળીઓના મનમાં ત્રિભુવનપતિની ભક્તિની સાથોસાથ ત્રિભુવનના જીવોના હિતની ભાવના તેમ જ તે ભાવના મુજબની યથાશક્ય પ્રવૃત્તિની સતત ખેવના પણ રહેવી જોઈએ.
તે પ્રવૃત્તિ અને ભાવના આજે નથી તેમ નહિ, પરંતુ તેમાં એ ભાવ જોઈએ જે ભાવપૂર્વક માનવી પોતાનાં માની લીધેલાં” કાજે અહર્નિશ ચિંતાયુક્ત રહેતો હોય છે. રાત-પરોઢાં કરતો હોય છે, લાંબા પ્રવાસ ખેડતો હોય છે, ટાઢ-તાપની પરવા કર્યા : સિવાય પરિશ્રમ ઉઠાવતો હોય છે.
પોતે પોતાના સ્વાર્થની સાથે જોડાયેલો રહે છે ત્યારે કેટલા મોટા પરમાર્થથી અલગ પડી જાય છે તેનું ચિંતન ખૂબ જ આવશ્યક છે.
તે સિવાય ત્રિભુવનહિતવિષયક ધર્મ સાથેનું આપણું ભાવજોડાણ ઢીલું પડતું જશે તેમ જ જે પદને પામ્યા પછી શિવપદનો આપણો અધિકાર હાથવેંતમાં ગણાય તે પદને પૂરેપૂરો ન્યાય નહિ આપી શકવાને કારણે આપણે ભવચક્રની તે ભૂમિકાએ પહોંચી જઈશું કે જ્યાં ગયા પછી આપણે જગતના જીવોના હિતમાં ઓછામાં ઓછો ફાળો નોંધાવવાની સાથે. ઘણાના ઉપકારનું ઋણ આપણા માથે ચઢાવતા હોઈશું.
| ઊંચા પદને પામેલા આત્માના શુદ્ધ પરિણામની અમાપ શક્તિમાં અખૂટ શ્રદ્ધા સાથે આપણે સર્વજીવહિતવિષયક જવાબદારીના પાલનમાં ઉત્તરોત્તર આગળ વધતા રહીએ અને નીચે રહેલા જીવોને વધુ ઊંચે આવવાનાં નિમિત્તો પૂરાં પાડતા રહીએ એવી ભાવના આપણા પરિણામને રોજેરોજ સ્પર્શતી રહો !
૨૩૨ - ધર્મ-ચિંતન