________________
- તારક પ્રતીકો અને અનુષ્ઠાનોને અર્થના ત્રાજવે તોળવાં અને મારક મોહને ગમતા આકર્ષણોને દેશ-કાળની જરૂરિયાતોના નામે પોષવા તે તત્ત્વદૃષ્ટિનો વિપર્યાસ સૂચવે છે.
પરમોપકારી ભગવંતોની ભક્તિમાં હોય તેટલી બધી શક્તિને સાર્થક કરવાનો ભાવ જાગે છે ત્યારે જ ભવસાગરને પાર કરવાનો અપૂર્વ વીર્ષોલ્લાસ પ્રગટે છે.
તે વીર્ષોલ્લાસ પ્રગટાવવાની દિશામાં યત્કિંચિત પણ સહાયભૂત થવાના અમારા ભાવને સત્ત્વશીલ આરાધક આત્માઓની સતત સક્રિય ભાવનાશક્તિ જે અમાપ સહાય બક્ષી રહી છે તેને કૃતજ્ઞભાવે પ્રણામ કરીએ છીએ તેમ જ ચતુર્વિધ શ્રીજૈનસંઘમાં સર્વ કલ્યાણભાવની વધુને વધુ ભરતી આવતી રહે એવી ભાવના ભાવીએ છીએ.
આરાધનાજન્ય મહાસત્ત્વની વૃદ્ધિ સિવાય, બીજું કોઈ ભૌતિક બળ જગતના જીવોને સાનૂકળ જીવનસ્થિતિમાં લાવી શકે તેમ નથી. એટલે જ શ્રી તીર્થંકરદેવ પ્રરૂપિત ધર્મની આરાધનાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ કર્તવ્ય નહિ હોવાનું સ્પષ્ટ શાસ્ત્રવચન છે.
આરાધના જે આપે છે તે ન કારખાનું આપી શકે, ન અણુશક્તિથી ચાલતું યત્ર આપી શકે.
સુખ બહારથી ખરીદી શકાય છે, તેમ જ મેળવી શકાય છે, એવી એકદેશીય સમજે, સુખને લાયકનું આંતરિક વાતાવરણ સર્જવામાં આપણને ઘણા અંશે શિથિલ બનાવી મૂક્યા છે. ધારો કે સુખ બહારથી મેળવી શકાતું હોય તો પણ તેને માફકસરની 'આંતરિક બેઠક સિવાય તે આવીને આસન માંડશે ક્યાં ?
સુખને સર્વથા માફકસરની આંતરૂ-બાહ્ય યોગ્યતા ધર્મની આરાધનાના પ્રભાવે ઓછા સમયમાં ખીલવી શકાય છે. ' ધર્મની આરાધના એટલે વિશ્વહિતની પ્રધાનતાવાળું શ્રેષ્ઠ કર્તવ્ય. તેમાંથી આત્માની અમાપ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. તેમ જ જગતના બધા જીવોની જીવનવિષયક સાનુકૂળતામાં તેના પ્રભાવે વધારો થાય છે.
એવી આરાધનાનું બહુમાન એ વિશ્વહિતનું બહુમાન છે, દેવાધિદેવની સર્વકલ્યાણકર આજ્ઞાનું બહુમાન છે.
એવી આરાધનાની સઘળી સર્વોત્તમ સામગ્રી પૂરી પાડનારા મહાવિશ્વશાસન (જૈન શાસન)ની પ્રભાવના પાછળ દિનરાત ઉદ્યમશીલ રહેવાની મહાપુણ્યવંત આત્માઓની ભાવના શુભ કાર્યમાં અહર્નિશ બળ પૂરો. જગતના સર્વજીવોને દેવાધિદેવના પરમતારક શાસનની વહેલી-વહેલી જાણ થાઓ. સહુ ભાગ્યશાળીઓના હૈયામાં શ્રીઅરિહંત પરમાત્માની સર્વોત્કૃષ્ટ ભાવનાનાં દૈવી અજવાળાં ફેલાઓ, સહુના મનમાં નમસ્કારભાવ પરિણત થાઓ. સહુના પ્રાણો પરહિત કાજે તલસાટ અનુભવો.
ધર્મ-ચિંતન ૨૧૭.