________________
આજ અનુપમ દિવાળી
નાચ, નાચ હે મનવા ! મન મૂકીને નાચ. પેટ ભરીને નાચ. આજનો અવસર અમુલખ છે.
પળ આજની કોટી-કોટી વર્ષોની કિંમત કરતાં અધિક કિંમતી છે. આજે આપણે શ્રી નવકારના જાપમાં બેસવાનું છે.
શ્રીપંચપરમેષ્ઠિભગવંતોના અસીમ ઉપકારોના કલ્યાણકર સ્મરણમાં પ્રવેશવાનું છે. ત્રિભુવનદિવાકર શ્રી અરિહંતપરમાત્માની મોક્ષપદપ્રદાયક આજ્ઞામાં ઓળઘોળ થઈ જવાનું છે.
આત્મભાવની અણમોલ મહેકવડે લોકને સુરભિત કરવાનો છે. ભવિષયક આળપંપાળના વાઘા ઉતારી નાખવાના છે.
ભાવનાનાં તેજવર્ષાં વસ્ત્રો પરિધાન કરવાનાં છે.
સ્વ (ભવ) વિષયક તુચ્છ વિચારોને જ્યાં આવીને બેસવાનું જરા પણ માફક ન આવે, એવી આંત-સ્થિતિ સર્જવાની છે.
દેવાધિદેવ શ્રીઅરિહંતપરમાત્માની સર્વકલ્યાણકારિણી ભાવનાને સર્વથા માફકસરનું આંત-શરીર ઘડવાનું છે.
ચિત્તને સમતાનું ઘર બનાવવાનું છે.
નિર્મળભાવના સરોવરમાં હૃદયને પલટવાનું છે.
કોઈનાય હિતને ઠેસ ન વાગે એવા ઊંચા આચારની ભૂમિકાએ પહોંચવાનું છે. મોક્ષ અપાવીને જ રહે એવા સામાયિકને લાયકની ભૂમિકાએ સ્થિર બનવાનું છે. જીવ માત્રના પરમહિતમાં આપણી પ્રત્યેક પળ સાર્થક થતી રહે એ તત્ત્વ૨હસ્યને બરાબર હૃદયગત કરવાનું છે.
કોઈ એમ ન કહી જાય કે ‘શ્રી નવકારનો ધારક એટલે ભવ (સ્વ)નો ગુલામ,' એવી પવિત્ર હવા વિશ્વ આખામાં ફેલાવવાની છે.
આપણો જાપ, ભવતાપહર્તા દેવાધિદેવની મહાકરુણાને પાત્ર બનો. જાપની છાપ, એ જ આપણી ઓળખનિશાની બનો.
૧૭૮ ૦ ધર્મ-ચિંતન