________________
જે કાય રત તે કાયર.
આ જાતની કાય રતતા, (કાયરતા) ‘હું આત્મા છું,’ એવા સંસ્કારની સુવાસથી માનવીને વંચિત રાખે છે.
મૂળભૂત સુસંસ્કારોનો આ જાતનો લોપ, માનવીને મૈત્ર્યાદિભાવોના સેવનમાં નિરસ તેમ જ નિરુત્સાહી બનાવે છે, મન તેનું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું નિવાસસ્થાન બનતું જાય છે.
માટીના ઢેફામાંથી તેલ ન નીકળે તેમ કાયરતામાંથી સત્ત્વ ન નીકળે.
ધર્મની સેવા માટે માનવનો ભવ છે.
તે ભવ આખોય કાયાની માયાને જીવાડવા પાછળ ખર્ચાય, કાગળના ફૂલ જેવી નિર્જીવ કીર્તિને કમાવા પાછળ બરબાદ થાય, પ્રભુજીને પૂજવાને બદલે જાતે પૂજવાના અહંને આધીન થાય તેમ જ જન્મ-જન્માંતરના વેરની વસુલાત પાછળ વેડફાઈ જાય અને છતાં તેનું લેશ પણ દુ:ખ કે પશ્ચાત્તાપ જેને સ્પર્શે નહિ, તેને ઉપકારી ભગવંતો દયાપાત્ર અબૂઝ તરીકે વર્ણવે છે.
જે અબૂઝ હોય તે તાત્ત્વિક દૃષ્ટિએ કાયર પણ હોય.
ધર્મનો માર્ગ એ વી૨નો માર્ગ છે, મહાવીરનો માર્ગ છે, એ સત્ય જેઓ સ્વાર્થત્યાગનું સત્વ પ્રગટાવીને ધર્મને સેવી રહ્યા છે તેમને પૂરેપૂરું હૃદયગત થાય છે.
ત્યાગમાં આગળ વધનારની છાયા સુદ્ધાં, કાયરતા સહી શકતી નથી. ત્યાગમાં આગળ વધવા માટેનું સત્ત્વ ત્યાગી ભગવંતોને ત્રિવિધે ભજવાથી પ્રગટે છે. ત્યાગી ભગવંતોના ત્યાગનો રાગી, અવશ્ય, મુક્તિનો ભાગી બને છે, પરમપદનો અધિકારી બને છે.
૨૦૮ ૦ ધર્મ-ચિંતન