________________
પ્રતિકૂળતાને પડકાર
પાપનું ફળ તે પ્રતિકૂળતા. પુણ્યનું ફળ તે સાનુકૂળતા.
પ્રતિકૂળ સંયોગોમાં નવા પાપના બન્ધથી બચવા માટે, પોતે, આજ સુધી સેવેલા પાપની ખૂબ ખૂબ ગઈ કરવી જોઈએ.
સાનુકૂળ સંયોગોમાં સહુને સાનુકૂળ બનવાનો ઉલ્લાસ મનમાં રહેવો જોઈએ.
પ્રતિકૂળ સંયોગો આવે એટલે જરા પણ અકળાયા સિવાય, “ચઢેલું દેવું ચૂકવાઈ રહ્યાનો હર્ષ પરિણામને સ્પર્શવો જોઈએ.
અત્યંત દુઃખમાં રીબાતા જીવોના હિતના ચિંતનથી અસહ્ય જણાતી પ્રતિકૂળતા હળવી બની જાય છે.
મન જેનું અહંને બદલે અહં સાથે બરાબર જોડાય છે, તેને પ્રતિકૂળતા પણ સાનુકૂળ બની જાય છે.
મને સુખ મળો ને મારું દુઃખ ટળો.” એવું સહુ કોઈ ઇચ્છે છે, પરંતુ “સર્વને સુખ મળો અને સર્વનાં સર્વ દુઃખો ટળો” એવી ભાવનાથી ભાવિત ન થવાય, એ ભાવનાથી વાસિત ચિત્તપૂર્વક ધર્મક્રિયા ન થાય, ત્યાં સુધી દુ:ખમુક્તિને સર્વથા અનુરૂપ વીર્ષોલ્લાસ ભાગ્યે જ જાગે.
પોતે ભવની જેલમાં ભરાઈ રહીને અનેકને અંતરાયભૂત બની રહ્યો છે, એ જાતની વિચારધારા પર પ્રત્યેની ભૂલ દષ્ટિને પવિત્ર બનાવે છે. તે પછી પોતાને જે પ્રતિકૂળતા નડે છે, તેમાં પોતે સ્વાર્થને વશ થઈને પરને પ્રતિકૂળ બન્યો હોવાનો સ્પષ્ટ ધ્વનિ પોતાને સંભળાય છે.
“મને પ્રતિકૂળતા નડી રહી છે' એવા વિચારને મન વડે પકડી રાખવાથી, સાનુકૂળતા ખેંચાઈ નથી આવતી, પરંતુ વધારો પ્રતિકૂળતામાં જ થાય છે.
પોતે સ્વાર્થને વશ થઈને જેને દુઃખ પહોંચાડી રહ્યો છે તેની અને પોતાની–જીવ તરીકેની–જાતિ એક છે, એ સત્ય જેના હૃદયમાં સ્થિર થાય છે તે ધન્યાત્મા ગમે તેવી બાહ્ય આપત્તિઓ વચ્ચે પણ ભીતરની શાંતિને અખંડ રાખી શકે છે. એ શાંતિ જળવાઈ રહેવાનું કારણ છે જીવન જીવના હિત તરફનો પક્ષપાત.
બીજાના દુઃખને વધારનારા સુખની શોધ ઘણા મોટા દુઃખમાં પરિણમે છે. પરને પ્રતિકૂળ ન થવું એ પણ અંશથી તેને સાનુકૂળ થયા બરાબર છે.
ધર્મ-ચિંતન ૨૦૫