________________
ભજનની ભૂખ
સાધનની ઉપેક્ષા સાધ્યની ઉપેક્ષામાં પરિણમે. માર્ગની ઉપેક્ષા ઇષ્ટસ્થળની ઉપેક્ષામાં પરિણમે. આરોગ્યની ઉપેક્ષા ધર્મધ્યાનાદિની ઉપેક્ષામાં પરિણમે. તેમ ઉચિત અને આવશ્યક ક્રિયાની ઉપેક્ષા ભાવની ઉપેક્ષામાં પરિણમે.
શુભભાવના ઉદ્દીપનમાં દ્રવ્યનો જે અસાધારણ ફાળો છે, તેનો વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે શુભભાવના ઉદ્દીપનમાં સહાયભૂત થતાં પવિત્ર દ્રવ્યો તેમ જ તેના સદુપયોગરૂપ ઉચિતક્રિયાની જરા જેટલી પણ અવગણના ઓછા કાળમાં અધિક અહિતના કારણભૂત બને.
નમસ્કારભાવ દ્વારા સિદ્ધભાવને વરવાના લક્ષ્યપૂર્વકના અનુષ્ઠાનોમાં ઊંચા પ્રકારની યોગસાધનાનાં જે બીજ રહેલાં છે, તેનો કોઈ પણ વિવેકી આત્મા ઇન્કાર કરી શકે તેમ નથી.
નમસ્કારભાવ માટે મૈત્યાદિ ભાવનાઓ અનિવાર્ય ગણાય.
મૈત્યાદિ ભાવનાની ભૂમિકા પર આવી ન શકાય ત્યાં સુધી ઊંચી અને ઉપકારક એવી ક્રિયા પણ સ્થૂલ ક્રિયારૂપ બની રહેવાનો પૂરતો સંભવ છે.
ભોજનમાં આવે છે તેટલો રસ પણ ભજન ટાણે ન જાગે, તો તેનો તીવ્ર પશ્ચાત્તાપ અવશ્ય થવો જોઈએ. ભોજનની ભૂખ તો જીવ માત્રને હોય છે.
, ભજનની ભૂખ એક માત્ર માનવીને જ હોય છે. મન મળ્યાની એ વિશિષ્ટતા છે.
ઉનાળાના બળબળતા બપોરે “પાણી-પાણી'નો પોકાર કરતા માર્ગભૂલ્યા પ્રવાસીને, કોઈ ભાઈ પાસે આવીને પવિત્ર જળનો પ્યાલો આપે અને તે પ્યાલો હાથમાં લઈને તેમાનું પાણી વાપરતાં તે તરસ્યો પ્રવાસી જે પ્રસન્નતા અનુભવે, તેવી પ્રસન્નતા મહાદુઃખે કરીને સ્થિર રહી શકાય એવા આ સંસારના ત્રિવિધ તાપ વચ્ચે અદ્ધર જીવે ફરતા ભાગ્યશાળીઓને પ્રભુજીની–સંસારાવાનાદની સમાન આજ્ઞા મુજબની નાનીમોટી કોઈ પણ ક્રિયા સાથે જોડાતાં સ્પર્શવી જોઈએ.
૧૯૪ • ધર્મ-ચિંતન