________________
પ્રગટેલી શુદ્ધિનું પ્રત્યક્ષ પરિણામ છે.
ચોખ્ખા કાચને રજ ન ચોટે તે માટે તેની આડે કપડાનો પડદો ટીંગાડીએ છીએ, તેમ મનના સ્થિરીકરણની સલામતી માટે તેને શ્રીનવકારમાં બરાબર પરોવી રાખવું, તે સ્વ અને પરના હિતનો શ્રેષ્ઠ રાજમાર્ગ સમજાય છે.
શ્રીનવકારની અમૃતઝરતી નિશ્રામાં રહેવાને ટેવાયેલા મનમાં નમસ્કારભાવને ઝીલવાની તેમ જ વિસ્તારવાની ક્ષમતા તરત જન્મે છે.
નમસ્કારભાવના સ્પર્શના પ્રભાવે જીવના હિતના ભોગે પોતાના તુચ્છ સ્વાર્થને પોષવાનો–અનાદિ અવિદ્યાજન્ય કુસંસ્કાર નિર્મૂળ થવા માંડે છે.
ઉક્ત કુસંસ્કારનું મૂળ સ્થાને અનાદિ નિગોદ છે.
કરોડો, અબજો અને તેથી પણ અધિક અગણિત વર્ષો સુધી સેવાયેલા આ કુસંસ્કારથી સર્વથા મુક્ત થવાનો સર્વોચ્ચ સુસંસ્કાર-નમસ્કારભાવના સ્પર્શે અંદરથી જાગે છે.
નમસ્કાર પોતાના ભાવનો સંસ્કાર બરાબર પાડી શકે તેવી આંતરિક સ્થિતિના ઘડતર માટે શરૂઆતમાં તેનો દીર્ઘ જાપ કરવાનો રહે છે. કોઈ ધન્ય આત્મા ભવાંતરમાં તેવો જાપ કરીને અહીં આવ્યા હોય તો તેમને ઓછા જાપના પ્રભાવે પણ નમસ્કારભાવ તરત બંધબેસતો થઈ જાય.
નમસ્કારભાવના સ્પર્શ પછી જીવન જીવત્વ પ્રત્યે જે બહુમાન પ્રગટે છે, તે પોતાની અલ્પપાત્રતાનું નિવારણ કરે છે અને સર્વોચ્ચ એવા શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિને અધિક પાત્ર પોતાને બનાવે છે.
અંદરથી અપાત્રતા, અલ્પપાત્રતા ઓગળવા માંડે છે તેમ તેમ આત્મગુણે મહાન એવા ભગવંતો પ્રત્યે આંતરિક પૂજયભાવ પ્રગટે છે.
એ પૂજ્યભાવ એટલો સહજ હોય છે કે તેમનું નામ સાંભળતાંવેંત, સાધકના વદન ઉપર ક્યારેક હર્ષની તો ક્યારેક શરમની ભવ્ય રેખાઓ સાકાર બને છે.
પ્રભુજીને પરમાત્મારૂપે ભજનારા સાધકને તેમનું નામ સાંભળતાંની સાથે એ ભાવનો સ્પર્શ થાય છે જે ભાવના પ્રભાવે–ચાર ગતિના દુ:ખો ની વચ્ચે પણ આત્મભાવના પક્ષમાં અડોલ રહેવાની તેની પ્રભુભક્તિ હેમખેમ રહે છે. એટલે શ્રીઅરિહંતાદિ ભગવંતોનું નામ સાંભળતાની સાથે તેના સમગ્ર જીવનદેશે હર્ષની એક પ્રબળ લહરી ફરી વળે છે.
એ રીતે પ્રભુજીનું નામ સાંભળતાની સાથે પોતાના પ્રાણોમાં હર્ષોલ્લાસ પ્રગટે તો પોતે નમસ્કારભાવને પાત્ર બની રહ્યો છે, એમ કહી શકાય.
૨૦૦૦ ધર્મ-ચિંતન