________________
કૃતજ્ઞતા પણ દૂર રહે. ક્યારેક ઉપકાર થઈ જાય તો પણ તે ઉપકાર કર્યાનો ‘અહં’ પરિણામને દુષિત કરી જાય.
પરંતુ દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ સાથેના આપણી સમગ્રતાના જોડાણ પછી, આપણા ભાવમાં જે પરહિતપરાયણતા પ્રગટે છે તેનાથી જગતના જીવો પ્રત્યેનું આપણું આચરણ આત્મભાવસભર બને છે અને તે બધા જીવો ઉપકારનો ધન્ય પ્રસંગ પૂરો પાડનારા સાચા ઉપકારી તરીકે આપણા હૈયામાં સ્થાન પામે છે.
આ રીતે વિચારતાં કૃતજ્ઞતા એ વિશ્વોપકારનું પવિત્ર કાર્ય બની રહે છે. કૃતઘ્નતા એ વિશ્વાપકારનું અધમ કૃત્ય બની રહે છે.
પરસ્પરોપકારરૂપ જીવનો જે ધર્મ છે, તેનો કૃતજ્ઞતા વડે સ્વીકાર થાય છે અને કૃતઘ્નતા વડે, ઇન્કાર થાય છે.
જે પોતાનો ધર્મ છે-પવિત્ર કર્તવ્ય છે, તેના સ્વીકારમાં કૃતજ્ઞતાનું બહુમાન છે. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું બહુમાન છે. મહાપુણ્ય મળેલા માનવના ભવનું બહુમાન છે. કૃતજ્ઞતાનો ઇન્કાર એટલે જ સર્વજીવહિતપરાયણતાનો ઇન્કાર. અંતરાયો અને આપત્તિઓના મહાસાગર સરખા ‘અહંભાવ'નો સ્વીકાર.
જીવના શિવપદ સાથેના સંબંધની કૃતજ્ઞતા એ—પૃથ્વીને અજવાળતા પ્રભાકરના પહેલા કિરણ જેટલી અગત્યની—પહેલી કડી છે.
આજ્ઞાભંગ
નિષ્કરુણતા, આર્તધ્યાન કે રૌદ્રધ્યાન તે જિનાજ્ઞાનો ભંગ છે, એ વાત નિશ્ચયથી છે. એનું સમર્થન આચારાંગના ‘અનુત્તો મળવું' એ સૂત્ર વડે થાય છે. સહેજ પણ અગુપ્ત થાય, તો તે અનાજ્ઞામાં આવી જાય છે. અતિશુદ્ધ નયના ઘરની આ વાત છે. એ નયના મતે અપ્રમત્ત દશામાં વર્ધમાન શુદ્ધ પરિણામે આજ્ઞા કહી છે. અન્યથા આજ્ઞાભંગ.
ધર્મ-ચિંતન ૦ ૧૯૧