________________
દોષોનું સેવન કર્યા બાદ તેની નિંદા, ગર્હા, આલોચના કે પ્રાયશ્ચિત્ત નહિ કરનારને તે ઘણું વધતું જાય છે. અનંતગુણું પણ બની જાય છે.
એ જ નિયમ ગુણોના વિષયમાં પણ લાગુ પડે છે. કોઈ ગુણ જીવમાં ન હોવો એમાં તેટલી દોષ પાત્રતા નથી, જેટલી છતી શક્તિએ ગુણવાનની સ્તુતિ કે પ્રશંસા, વિનય કે ભક્તિની ઉપેક્ષા કરવામાં દોષપાત્રતા રહેલી છે.
એ કારણે દોષના પ્રતિક્રમણની જેમ ગુણોની સ્તુતિને પણ શાસ્ત્રકારોએ એક આવશ્યક કર્તવ્ય તરીકે પ્રબોધેલ છે. ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સાદિ) તે ગુણસ્તુતિરૂપ છે. ગુણસ્તુતિ વિના ગુણહીનતા નિવારણનો બીજો કોઈ સચોટ ઉપાય શાસ્ત્રકારોએ જોયો નથી.
જ્યાં સુધી ગુણસ્તુતિના માર્ગે જીવ વળે નહિ, ત્યાં સુધી ગુણહીન અવસ્થામાંથી મુક્તિ મળે નહિ.
જો આપણે આપણી ગુણહીન અવસ્થા દૂર કરવી હોય તો ગુણાનુરાગ અને ગુણસ્તુતિના માર્ગે અવશ્ય વળવું પડશે.
પંચપરમેષ્ઠિ પરમ ગુણવાન છે અને તેથી પરમેષ્ટિ નમસ્કાર પરમગુણસ્તુતિરૂપ છે, પરમસ્તુતિવાદરૂપ છે.
પરમેષ્ઠિ નમસ્કાર એ ત્રણે કાળ અને ત્રણે લોકમાં થઈ ગયેલા, થઈ રહેલા અને થનારા મહર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી તે શ્રેષ્ઠ ગુણાનુરાગરૂપ છે અને શ્રેષ્ઠ ગુણસ્તુતિરૂપ છે.
પરમાત્મભાવનું બીજ
સમ્યગ્દષ્ટિ આત્મા માટે ગુણાનુરાગ અને ગુણસ્તુતિ એ મુખ્ય ચીજ છે. તેના વિના એનું આંતર્ જીવન-અંતરાત્મભાવ ક્ષણવાર પણ ટકી શકતો નથી.
સમ્યક્ત્વની ભૂમિકા ટકાવી રાખવા માટે પરમેષ્ઠિ નમસ્કાર એ અનિવાર્ય છે. શ્રી ‘અધ્યાત્મસાર’ પ્રકરણના ‘યોગાનુભવ’ અધિકારમાં કહ્યું છે કે— विषयकषायावेशः, तत्त्वाऽश्रद्धा गुणेषु च द्वेषः ।
आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ १ ॥
વિષય કષાયનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણોનો દ્વેષ અને આત્મતત્ત્વનું અજ્ઞાન એ બહિરાત્મનું સ્પષ્ટ લક્ષણ છે.
આથી નક્કી થાય છે કે ગુણદ્વેષ ટળ્યા વિના બહિરાત્મભાવ જતો નથી અને અંતરાત્મભાવ પ્રગટતો નથી.
૧૧૮ ૦ ધર્મ-ચિંતન