________________
નિયમ, પૂજા-પ્રતિક્રમણ, સામાયિક-પૌષધ વગેરે–જીવનને ટકાવનારા શ્વાસોચ્છવાસ જેટલા–અનિવાર્ય છે. તે સિવાય દ્રવ્ય અને ભાવકર્મોનું પ્રાબલ્ય ભાગ્યે જ ઘટે તેમ જ પૂરેપૂરા અંકુશમાં આવે.
. નિર્મળ ચિત્તમાં થતો શ્રીનવકારનો સ્પર્શ આંતરચેતનામાં અજબ સંવેદન પેદા કરે છે. તે સંવેદન એટલું બધું પ્રાણવંત હોય છે કે તેના ભાવુકને તત્કાલ સર્વકલ્યાણની ભાવનાનાં પરિણામ સ્પર્શે છે, તે પરિણામમાં પાણી અને પવન કરતાં પણ વિશેષ તાકાત હોય છે. તે સમયે હસતું આરાધકનું અંતઃકરણ વિશ્વસ્નેહના જીવંત પારાવારનું સ્વરૂપ ધારણ કરે છે અને તેની શુભ અસર જગતના જીવોના હિતમાં સહાયભૂત થાય છે.
મન, વચન અને કાયા એ ત્રણે ય જ્યારે શ્રીનવકારનાં બની જાય છે ત્યારે, પુષ્ય અને પરાગ, દીપક અને પ્રકાશ તેમ જ ચંન્દ્ર અને ચાંદનીના સુયોગ જેવો આત્મા અને પરમાત્મા વચ્ચેનો અભેદભાવ આરાધક અનુભવે છે.
મનને પોતાનું જ સમજવું અને સ્વીકારવું તે તેના અચિંત્ય સામર્થ્યને ભવને હવાલે કરવા બરાબર છે. | મનનો ભાવ એ માનવબંધુની સમગ્રતાની ભાષા છે. માનવબંધુની સમગ્રતા નમસ્કારભાવમાં તરબોળ ત્યારે બને છે જ્યારે તે પોતાનો પક્ષકાર મટીને, દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞા અને ભાવનાનો સાચો પક્ષકાર બને છે.
પોતાનો પક્ષ એટલે ભવનો પક્ષ શ્રીનવકારનો પક્ષ એટલે જીવમાત્રના હિતનો પક્ષ.
ખાનદાન ખેડૂત માત્ર પોતાના માટે નહિ પણ વસતી માટે વાવેતર કરે, શૂરો સૈનિક માત્ર પોતાના બચાવ માટે નહિ, પરંતુ પોતે જેના અંગભૂત છે તે રાષ્ટ્રના 'સંરક્ષણ માટે ઝઝૂમે, તેમ દેવાધિદેવના પરમતારક શાસનને પામેલો મહાપુણ્યવંત આત્મા માત્ર પોતાના માટે નહિ, પરંતુ પોતે જેના અંગભૂત છે તે વિશ્વશાસનની પ્રભાવના માટે સતત પ્રયત્નશીલ રહે.
મનના શ્રીનવકાર સાથેના જોડાણ પછી આ સમર્પણભાવમૂલક પ્રક્રિયા શક્ય તેમ જ સરળ બને છે, તે પૂર્વે તેનામાં કોઈકને તર્ક તો કોઈકને અવ્યવહારુતાનાં તો કોઈકને અશક્યતાનાં દર્શન થાય તે બનવાજોગ છે.
–પરંતુ શ્રીનવકાર સરખા નાથના સંગાથ પછી, જીવનું અસલ સ્વરૂપ પૂરા વેગપૂર્વક ઉઘડવા માંડે છે અને તે જેમ જેમ ખુલ્લું થતું જાય છે તેમ-તેમ તેને વળગેલાં દ્રવ્ય અને ભાવકર્મ ટપોટપ ખરવા માંડે છે. નિત્ય નેહે નમો નવકારને.
ધર્મ-ચિંતન • ૧૬"