________________
ત્યાં નમવાને બદલે આપણે “અહ” અને “મમ ને નમસ્કાર કરીએ એટલે જગતના સર્વ જીવો સાથેનો આપણો ભાવ સંબંધ લગભગ કપાઈ જાય અને આપણે જાતે આપણા ભાવવડે હણાઈએ.
શ્રીનવકારનો એકજવારનો ભાવપૂર્વકનો પૂરો જાપ, પરિણામની ધારા ઉપર એ અસર કરે છે, જે અસર કરચલીવાળા કપડા ઉપર એક જ વારની, ઈસ્ત્રી ફેલાવે છે. તે ધારામાં મોટો વિક્ષેપ, સ્વાર્થનો વિચાર જન્માવે છે. બરાબર બેસતાં ન આવડે તો ઈસ્ત્રીવાળું કપડું પણ ચૂંથાઈ જાય તેમ બરાબર વિચાર કરતાં નહિ આવડતો હોવાને કારણે શ્રીનવકારના પ્રભાવે વિશુદ્ધ બનતી પરિણામની ધારા થોડી વાર પછી તૂટવા માંડે છે, ઝાંખી પડવા માંડે છે.
શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર ભાવનાના અંગભૂત ન હોય એવા કોઈ પણ વિચારને પોતાના અંગભૂત ન બનાવવો તે પરિણામની ધારાને નિર્મળ, તેજસ્વી અને સર્વશ્રેયસ્સાધક બનાવવાનો સચોટ ઉપાય છે.
આપણે જ્યારે આપણા સ્વાર્થના વિચાર સાથે જોડાઈએ છીએ ત્યારે શ્રીઅરિહંત પરમાત્માના આપણા પ્રત્યેના ભાવથી અલગ પડી જઈએ છીએ, તે ભાવથી અલગ પડી જવાય છે એટલે સકળ વિશ્વથી અલગ પડી જવાય છે.
આપણને સકળ વિશ્વથી અલગ પાડનારા વિચારને નમસ્કાર કરવાનો ભાવ થવો તે જન્મટીપ યા ફાંસીની સજાને લાયકના દુષ્કૃત્યને નમસ્કાર કરવા કરતાં અધિક ખરાબ કૃત્ય છે. તે પ્રકારના નમસ્કારના પ્રભાવે જે અશુભકર્મ બંધાય છે તે આપણને ખૂબ નીચે ઘસડી જાય છે કે જયાં નર્યો અંધકાર અને યાતનાઓ આપણું સ્વાગત કરવા માટે અહર્નિશ તૈયાર હોય છે.
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક જે નમસ્કાર થાય છે તેની આપણા ભાવ ઉપર જે શુભ અસર ફેલાય છે તેના પ્રભાવે આપણે અંદરથી વધુ લાયક બનીએ છીએ. અંદરથી વધુ લાયક બનવું એટલે આત્માના ભાવની અસરને વધુ ઝડપે ઝીલવાની લાયકાત પ્રગટ થવી તે.
આંવી લાયકાત પ્રગટે છે એટલે મૈત્રીભાવથી નીચે ઉતરવું તે લોઢાના ચણા ચાવવા કરતાં વધુ દુષ્કર વર્તાય છે. મતલબ કે આપણી સમગ્રતા ઉપર આત્માના ભાવની જે ઘેરી અસર ફેલાઈ જાય છે તેને જ માફકસરના વિચાર-વાણી અને વર્તનને આપણા જીવન સાથે નિકટતર સંબંધ થઈ જાય છે.
શ્રીનવકાર એ ભાવયોગનું શ્રેષ્ઠતમ માધ્યમ છે.
ધર્મ-ચિંતન : ૧૪૯