________________
ત્રાંબાનો એક જ પૈસો આપણે આપણા માટે વાપરીએ તેના પરિણામમાં અને તે જ પૈસા વડે ખરીદેલી બદામ ભાવપૂર્વક પ્રભુભક્તિમાં વાપરીએ તેના પરિણામમાં અમાપ અંતર હોય છે તેમ પોતાના માટે વપરાતું મન, જ્યારે દેવાધિદેવની સર્વોચ્ચ ભાવના વડે રંગાય છે ત્યારે તે ઉત્કૃષ્ટ મંગળ અધ્યવસાયનું અજોડ માધ્યમ બની જાય છે. મન સાથેનો આપણો સંબંધ, જગતમાં રહેલા જીવો સાથેના શુદ્ધ સંબંધમાં પરિણત કરવા માટે શ્રીનવકાર છે.
મન અને શ્રીનવકાર એ બેના અણમોલ યોગ પછી, પાપનાં જે અઢાર મુખ્ય સ્થાનકો છે ત્યાં જતાં આપણને જરૂર ગભરામણ થાય. જીવના અહિતનો કોઈ વિચાર આપણને મુદ્દલ બંધબેસતો ન થાય. આપણી સમગ્રતા શ્રીઅરિહંત પરમાત્માની ભાવના કાજે જ વલવલે.
એને સોંપાયેલા મનની રક્ષા કરવાની શ્રીનવકારની બાંહેધરી છે. તે બાંહેધરીનું તેણે આજ સુધી અક્ષરશઃ પાલન કર્યું છે. સમગ્ર વિશ્વની સમગ્ર તાકાત પણ તેની તે બાંહેધરીને પડકારવા જતાં હાર ખાય તેમ છે, એવા પરમમંત્રને આપણું મન સોંપીને આપણે ચિંતામુક્ત બનીએ. સર્વજીવહિતચિંતનની યોગ્યતા કેળવીએ.
સહુના મન ઉપર શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના સર્વજીવહિતકર ભાવનું સ્વામિત્વ સ્થપાઓ !
ધર્મ શક્તિ
જગતમાં કોઈ પણ જીવ એવો નથી કે જેમાં ધર્મ (પુણ્યાદિ) ન હોય. ધર્મ વિનાનો જીવ આ લોકમાં ટકી જ ન શકે.
પુણ્યનો અને શ્રી જિનશાસનનો ગાઢ સંબંધ છે. પરમાત્માની ધર્મશક્તિ પ્રત્યેક જીવમાં છે અથવા બીજા શબ્દોમાં પ્રત્યેક જીવ કે અજીવ ઉપર તેનું શાસન છે. શુદ્ધ ધર્મ - રત્નત્રયી એ જ વિશ્વશાસક છે. તેથી રત્નત્રયીવાન આત્મામાં શાસ્તૃત્વ સહજ છે.
રત્નત્રયી એટલે સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર.
ધર્મ-ચિંતન ૦ ૧૫૯