________________
શ્રીનવકારનો સાધક
ચાલવાની ક્રિયાથી માર્ગ કપાય તેમ નમસ્કારની ક્રિયાથી ભાવ અપાય. આપણે જેને નમસ્કાર કરીએ, તેનો ભાવ આપણને અસર કરે.
નમસ્કાર કરવાનો વધુ ભાવ જેના તરફ રહે તેની વધુ અસર નીચે આપણે આવીએ.
વિષય-કષાયને નમસ્કાર કરવાનું મન થાય તે આપણું દુર્ભાગ્ય ગણાય. કારણ કે તેના પ્રભાવે આપણે દશે દિશાએથી અશુભવડે ઘેરાઈ જઈએ છીએ. વિશ્વમાં રહેલા અશુભભાવના પરમાણુઓને આપણી દિશામાં આકર્ષવાનું કામ વિષય અને કષાય કરે છે. વિષય-કષાયને નમસ્કાર કરવો તે જીવનના પવિત્ર પ્રવાહમાં વિષ ભેળવવા કરતાં પણ વધુ ખરાબ છે:
ભાવથી આપણી વધુમાં વધુ નજીક રહેલા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના આપણા સહુના ઉપર જે ઉપકારો છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી.
જગતના બધા જીવોના હિતને જે સર્વોચ્ચભાવ તેઓશ્રી આપી રહ્યા છે તેનો વિચાર કરતાં એમ સ્પષ્ટ થાય છે કે એક સારો વિચાર આવે ત્યારે પણ આપણી આંખમાં ઝળઝળીયાં આવવાં જોઈએ. આપણા અંતઃકરણમાં એ પરમોપકારી ભગવંતોના નિઃસીમ ઉપકારોની પવિત્ર સ્મૃતિ મઘમઘાયમાન થવી જોઈએ. તે સમયે આપણને એમ સમજાવું જોઈએ કે, “આ જે શુભ વિચાર જાગ્યો છે, તે પરમોપકારી ભગવંતોના શુભભાવના શાશ્વતપ્રવાહના જ પ્રભાવે.'
અને જ્યારે અશુભ વિચાર જાગે ત્યારે આપણને ગભરામણ છૂટવી જોઈએ. એમ લાગવું જોઈએ કે “અધમ મારા પરમતારકનાથની સામે પડ્યો !
વિનીત પુત્ર પોતાના પિતાની આમન્યાનો લોપ નથી કરતો તે આપણે જાણીએ છીએ, તો શ્રીનવકારનો ધારક આત્મા, શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાની અવગણના કરે તે માની શકાય ?
કદાપી નહિ.
આપણે આજે જે કાંઈ શાતા અનુભવીએ તે, શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની યત્કિંચિત્ પણ આરાધનાના અલૌકિક પ્રભાવે. અને જે અશાતા અને અંતરાયો અનુભવીએ છીએ તે, તે આજ્ઞાની વિરાધનાનું પરિણામ છે. તે આશાના મૂળમાં સર્વોચ્ચ વિશ્વહિતકરભાવ રહેલો છે.
૧૪૮ ધર્મ-ચિંતન