________________
ચિંતામાં તેનું મન મળી ગયેલું હોય છે. તેના અંતઃકરણમાં આત્માના ભાવનું અમૃત છલકાતું હોય છે. તે અમૃતની જગતના બધા જીવોને લહાણ કરવા માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. તે લહાણને તે દેવ અને ગુરુની અસીમ કૃપાનું વ્યક્ત સ્વરૂપ સમજે છે. દેવ અને ગુરુની કરુણાના ૫૨મપ્રભાવવિહોણા જીવનમાંથી આરાધકભાવ તરત જ વિદાય થઈ જાય છે તે સત્ય તેના નમસ્કારભાવને અધિક વિશુદ્ધ અને જીવંત બનાવે છે. કેવળ પોતાના પ્રયત્ન વડે આગળ વધવાની વાતમાં તેના હૃદયને મુદ્દલ નિષ્ઠા હોતી નથી. બધાં કારણોના સમ્રાટ સરખા મહાશુભભાવના મહાસાગર તુલ્ય શ્રીઅરિહંત પરમાત્માના ભાવમાં ખોવાઈ જઈને, વિલીન થઈ જઈને તે પરમપદને પાત્ર બને છે. તે પાત્રતા પ્રગટાવવામાં પૂરેપૂરા સહાયભૂત થનારા ત્રણ જગતના બધા જીવોને પોતાના આત્મા સમાન માનવામાં તે ભાગ્યે જ પ્રમાદ સેવે છે.
જીવમાત્રના કલ્યાણની મહાસત્ત્વવંતી ભાવનામાં જેમના શ્વાસોચ્છ્વાસ સાર્થક થઈ રહ્યા છે એવાં આરાધક આત્માઓને ત્રિવિધે ભાવપૂર્વક પ્રણામ.
દેવ-ગુરુ-ધર્મ
દર્શનથી જીવ દેવ થાય છે.
જ્ઞાનથી જીવ ગુરુ થાય છે. ચારિત્રથી જીવ ધર્મરૂપ થાય છે. દેવ બનેલો તે અન્યમાં દર્શન ઉત્પન્ન કરે છે.
ગુરુ બનેલો તે અન્યમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે.
ધર્મ બનેલો તે અન્યમાં ચારિત્ર ઉત્પન્ન કરે છે.
આ રીતે ધર્મરૂપ બનેલો તે આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે જગતનું ધારણ પોષણ કરે છે.
સમ્યગ્ દર્શન એ ધ્રુવ, સ્મૃતિ (ચારિત્ર)નું અવંધ્ય બીજ છે. સમ્યગ્ જ્ઞાન દેવ-ગુરુ-ધર્મનું નિરંતર સ્મરણ કરાવે છે.
દેવ એટલે નિજગત પરમાત્મ તત્ત્વ. ગુરુ એટલે તેનું અનુભવજ્ઞાન. ધર્મ એટલે તેમાં રમણતા.
ધર્મ-ચિંતન ♦ ૧૫૫