________________
- લોક આખાને પોતાની સામે જોતાં જ ભાવની અસલિયત પ્રગટ થયા સિવાય રહેતી નથી. . તે જ ભાવ “સ્વ” કેન્દ્રિત થાય છે, એટલે સાવ ઠંડો પડી જાય છે. કારણ કે તે લોક (Universe)નો ટેકો (Response) ગૂમાવી દે છે. દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની મહાકરુણાના તાલમાં તાલ મેળવી શકતો નથી.
બીજું, અહંકાર અને કષાયથી સત્ત્વ દાઝે છે, લોહી ઘટે છે, શરીરમાં સ્નેહ (ચીકાશ)ને બદલે રુક્ષતા વધે છે, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય છે, જઠરાગ્નિ મંદ પડે છે તેમ જ હોજરીમાં ચાંદી પડવાના પ્રસંગો પણ ઊભા થાય છે.
શ્રીનવકારને ભાવપૂર્વક નમવાથી જે તેનામાં હોય છે, તે આપણામાં પ્રગટે છે. અહંકારને નમવાથી જે તેનામાં હોય છે, તે (સંસાર)ને વધુ લાયક બનાય છે. શ્રીનવકારના આરાધકને ત્રિભુવનમાં રહેલાં શુભ તત્ત્વોનો શુભ યોગ થાય છે. અહંકારીની દિશામાં અશુભ તત્ત્વોને ખેંચાવું પડે છે. “સ્વ” અને “પર”ને અપાતા ભાવ મુજબના સંસાર વચ્ચે જ જીવને રહેવું પડે છે.
મતલબ કે જોડાજોડ રહેતા બે માનવબંધુઓમાંથી એકના આંગણે સાનુકૂળતાઓ આપોઆપ ખેંચાઈ આવતી દેખાય, તો આશ્ચર્ય પામવા જેવું નથી અને બીજાના આંગણેથી પ્રતિકૂળતાઓ ન ખસતી હોય તો ખેદ અનુભવવા જેવું નથી. પરંતુ તેને પકડી રાખનારા ભાવરૂપી તત્ત્વને હૃદયગત કરીને સમભાવને સમર્પિત થવું જોઈએ.
શ્રીનવકાર તો વગાડી વગાડીને કહે છે કે, “મારે શરણે આવો, મારા બનીને રહો.” અને તે પછી જો તમને કોઈ પ્રતિકૂળતા સતાવે તો જગત આખાને જણાવી દેજો કે, “શ્રીનવકારે વચનભંગ કર્યો.”
જે સત્ત્વશાળી આત્માની આગળ-પાછળ હોય શ્રીનવકાર, તેને શું કરી શકે અહંકાર ?
કશું જ નહિ.
કારણ કે જે હૈયામાં જન્મે છે નમસ્કારભાવ ત્યાં અહંકારભાવને માફકસરનું વાતાવરણ સ્થિર થઈ શકતું જ નથી.
જન્મ, જરા, મૃત્યુ છે અહંકારનું ભેટછું. પરમાનંદપદ છે શ્રીનવકારપ્રીતિનું સુફળ.
કોઈ આત્માને પરમાનંદથી ઓછા આનંદમાં ભાવ ન રહો, શ્રીનવકારમાં છે તેનાથી નાના જીવનનો મોહ ન રહો.
ધર્મ-ચિંતન ૧૩૯