________________
નમસ્કારભાવને ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચાડનાર સામાયિકની પ્રક્રિયા છે. નવકાર એ જ્ઞાન (Theory) છે. સામાયિક એ ક્રિયા (Practice) છે.
નવકાર પરમાત્મભાવની ચાવી (Formula) છે. આ ચાવીને કાર્યકારી બનાવનાર પ્રયોગ (Experiment) સામાયિક છે.
નવકાર અને સામાયિક બન્ને એક બીજાના પૂરક છે. સામાયિક વિના નવકાર અધૂરો છે.
નવકાર વિનાનું સામાયિક નિષ્ફળ છે. નવકારપૂર્વકના સામાયિક વડે આધ્યાત્મિક સાધના સંપૂર્ણ બને છે.
નમસ્કાર ત્યાં ચમત્કાર કેઈ કાળથી એક કહેવત લોકમાં પ્રચલિત છે :
“ચમત્કાર ત્યાં નમસ્કાર” અથવા “ચમત્કાર વિના નમસ્કાર નહિ.” આ કહેવત યાવચંદ્રદિવાકરી જેવી છે.
પરંતુ, મૂળ હકીકત એથી ઉલટી જ છે, એનો વિચાર ભાગ્યે જ કોઈએ કર્યો હશે. જેમણે કર્યો છે તેમને તો ખાત્રી થઈ છે, કે “ચમત્કાર ત્યાં નમસ્કાર કહેવતની જનેતા નમસ્કાર ત્યાં ચમત્કાર” છે.
આ દુનિયામાં ચમત્કારિક શક્તિઓ ધરાવતા જે જે સાધુ, સંત, પયગંબર, તીર્થકર ઇત્યાદિ ભગવંતોને લોકોએ નમસ્કાર કર્યો છે, તે બધા જ ભગવંતોએ ચમત્કાર કરવાની શક્તિ “નમસ્કાર”માંથી જ મેળવી હતી.
વિશ્વના કોઈપણ અધ્યાત્મગુરુનું જીવન તપાસશો, તો જણાશે કે તેમની પરમ ઉપકારક શક્તિઓ તેમનામાં રહેલા નમસ્કારભાવમાંથી જ પ્રગટી હતી. ચમત્કાર જોઈને નમસ્કાર કરવા દોડી જતા લોકોએ હવે એ સમજવાની જરૂર છે કે “નમસ્કાર દ્વારા ચમત્કાર સર્જી શકાય છે.” શરત એટલી જ છે કે પુરુષાર્થ દરેકે પોતે કરવો જોઈએ. સાધન તો હાજર છે. એ સાધનનું નામ જ “શ્રીનમસ્કાર મહામંત્ર” છે. એ મહામંત્રનું શરણ સ્વીકારવામાં ગુમાવવાનું કશું જ નથી, મેળવવાનું જ છે.
૧૨૦૦ ધર્મ-ચિંતન