________________
ચોથા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ સુધીની અવસ્થા અંતરાત્મભાવની અવસ્થા છે. એમાં સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમાદ અને શ્રેણિનું આરોહણ અંતર્ભાવ પામે છે.
ક્ષપકશ્રેણિના અંતે પરમાત્મભાવ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન, યોગનિરોધ, કર્મનાશ અને સિદ્ધિનિવાસ, એ પરમાત્મભાવના લક્ષણો છે. એ રીતે ગુણાનુરાગ પરમાત્મભાવનું બીજ બની જાય છે.
પરમેષ્ઠિ નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે. એનાથી ગુણાનુરાગ ન હોય તો જાગે છે અને હોય તો વધે છે.
અંતરાત્મભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મભાવ સુધી પહોંચાડનાર પરમેષ્ઠિ નમસ્કાર છે. તેથી માર્ગનુસારીની ભૂમિકામાંથી માંડી સર્વ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર જીવોનું પરમેષ્ઠિ નમસ્કાર એ પરમ આવશ્યક કર્તવ્ય થઈ પડે છે. ધર્મના પ્રારંભથી અંત સુધી પ્રત્યેક ધર્માર્થી આત્માની ઉન્નતિમાં તે પરમ સહાયક થઈ પડે છે.
પરમેષ્ઠિ નમસ્કાર
સંપૂર્ણ આધ્યાત્મિક સાધના નમસ્કાર એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. નમસ્કાર એ શ્રેષ્ઠ ગુણાનુરાગ છે. નમસ્કાર એ શ્રેષ્ઠ ગુણસ્તુતિ છે.
નમસ્કાર કૃતજ્ઞતા (Sense of Gratitude) દર્શાવે છે. નમસ્કાર પરમ ઉપકારીઓના ઉપકારનો સ્વીકાર છે.
પ્રાથમિક ભૂમિકામાં નમસ્કાર માત્ર દુઃખમુક્તિ કે સુખપ્રાપ્તિના હેતુ માટે હોઈ શકે, આવેલું વિઘ્ન ટાળવા કે ઇચ્છિત ફળને પ્રાપ્ત કરવા નમસ્કારભાવનું શરણ લેવાયું હોય.
મધ્યમ ભૂમિકામાં મન, વચન કાયાની વિશેષ શુદ્ધિ થતાં કર્મમેલ ઓછો થતાં, જીવન પવિત્ર બનતાં નમસ્કાર ગુણાનુરાગ અને ગુણસ્તુતિરૂપ બની રહે છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને સર્વ સમર્પણના સ્વીકારરૂપ બની રહે છે. પરમાત્માના વિરહના અશ્રુરૂપ બની રહે છે. અર્થાત્ મધ્યમ અવસ્થામાં નમસ્કારભાવ પરમ શ્રેષ્ઠ સાથેના તાદાભ્યની તાલાવેલીરૂપ છે.
ઉચ્ચ ભૂમિકામાં નમસ્કારભાવ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના અંતરતમ સાથે મિલન કરાવે છે. સર્વ પ્રત્યેના અનંત પ્રેમની અને સર્વ શ્રેષ્ઠ જ્ઞાનની (Boundless Love and Supreme Wisdom) પૂર્ણતા પ્રગટાવે છે.
ધર્મ-ચિંતન • ૧૧૯