________________
તેના પરિણામે તીવ્ર સંકલેશને અનુભવીએ છીએ. બીજાની હિત ચિંતારૂપ મૈત્રી આદિ ભાવનાઓથી જ્યારે મન વાસિત થાય છે, ત્યારે ચિત્તને સુખ અને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
શ્રીનવકારની સાધના આધ્યાત્મિક કલ્પવૃક્ષનું બીજારોપણ છે. આવું સુંદર બીજ વાવતાં પહેલાં હૃદયભૂમિને વિશુદ્ધ બનાવવી જોઈએ.
આ વિશુદ્ધિનો પરમ ઉપાય સર્વના શ્રેષ્ઠ હિતનો ભાવ છે.
પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર મૈત્ર્યાદિ પ્રશસ્ત ભાવનાઓની દઢતા ઉપર અવલંબેલો છે.
જો શ્રીનવકારની સાધના પાછળ આ પ્રશસ્ત ભાવનાઓનું બળ હશે, તો જ તે શીઘ્ર સફળ થશે.
દાન, શીલ અને તપ પણ જ્યારે ભાવ ધર્મ સાથે ભળે છે, ત્યારે જ તે લોકોત્તર ધર્મસ્વરૂપ બને છે.
સાધનાનું પ્રથમ પગલું દુર્ભાવો પ્રત્યેના રાગને ગુણ તથા ગુણી પ્રત્યેના રાગમાં પલોટવાનું છે. ગુણદ્વેષને દુર્ભાવો પ્રત્યેના દ્વેષમાં પલોટવાનું છે.
આપણે ક્ષય અને કેન્સરના રોગને ધિક્કારીએ છીએ. પરંતુ રોગી પ્રત્યે તો આપણી કરુણા છે.
કમલ, તું પાપને ભલે ધિક્કારજે, પરંતુ અવિનીત, નિર્ગુણ, વિપરીત વૃત્તિવાળા પાપી જીવો પ્રત્યે તો કરુણા ભાવના અને મધ્યસ્થ ભાવના મનમાં ભાવવી જોઈએ. અને તો જ શ્રીનવકાર મહામંત્રરૂપી કલ્પવૃક્ષનું બીજારોપણ શક્ય બનશે.
શ્રીનવકારજાપની ક્રિયા એટલે સમતા-પછેડી વણવાની ક્રિયા. એ પછેડી જેમ જેમ વણાતી જાય તેમ તેમ આત્મા સ્વભાવમાં આવતો જાય. પછેડી પૂરી વણાઈ રહે ત્યારે આત્મા પોતાના પરમસ્વરૂપને વરે.
૧૦૮ ૦ ધર્મ-ચિંતન