________________
મોક્ષની ઇચ્છા પણ કેવળ “સ્વ” માટે નહિ પણ “સર્વ” માટે કરવાની આજ્ઞા શાસ્ત્રકાર ભગવંતોએ કરી છે.
“હજી આપણો મોક્ષ થયો નથી અને સર્વ માટે મોક્ષ કેમ મંગાય ?” આ શંકા આરાધકે ન કરવી.
પરમ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ દર્શાવેલો આ અમોઘ ઉપાય કંઈ પણ શંકા વગર અંતઃકરણપૂર્વક કૃપા કરીને આચરી જુઓ.
દઢ ચિત્તથી આ ભાવના આચરનારને સ્વયં તેનું ફળ પોતાના હૃદયમાં અનુભવાશે.
વૈદની દવાનું નામ જાણવાથી કે તે દવા સંબંધી માત્ર ચર્ચા કરવાથી રોગ નહિ જાય. રોગ દૂર કરવા માટે દવાનું સેવન કરવું પડશે.
સર્વ જીવોના હિતની ભાવનાનું સેવન કરવાનું છે, વારંવાર સેવન કરવાનું છે.
અનાદિકાળથી અમે અમારા સુખનો વિચાર કર્યો છે. અન્ય જીવોને પીડા આપીને પણ પોતાનું સુખ લીધું છે. ક્યારેય પોતાના સ્વાર્થ સિવાય અન્યનો વિચાર કર્યો નથી. સર્વનું હિત વિચાર્યું નથી.”
જો પાપ કાર્યમાં મન દોડતું હોય તો આ ભાવનાનું સેવન કરવું. જો ધર્મકાર્યમાં ચિત્ત ન ચોટતું હોય તો આ ભાવનાનું સેવન કરવું.
સર્વ જીવોના હિતનો આશય હૈયામાં ધારણ કરીને મૈત્યાદિ ભાવનાઓ ભાવવાની છે અને તે વડે ધર્મની સન્મુખ થવાની યોગ્યતા પ્રગટાવવાની છે. જ્યારે સર્વનિરપેક્ષ માત્ર પોતાના વિચારથી આપણે ધર્મમહાસત્તાથી વિમુખ બનીશું.
ચરાચર વિશ્વને ધરી રાખનાર ધર્મ છે. આવા ધર્મને, મહાસમર્થ ધર્મમહાસત્તાને સન્મુખ થયા સિવાય માનવભવ સફળ નથી, સાર્થક નથી.
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પુનિત ચરણોમાં પૂરેપૂરું ઝૂકી ગયેલું મન, મોક્ષના કારણભૂત બને છે અને મહામોહના ચરણોમાં ઝૂકી ગયેલું તે જ મન જીવને ચારગતિમાં રઝળાવે છે.
ધર્મ-ચિંતન ૯૩