________________
૫૧
એક શરણ, તેનો જ આશ્રય, તે જ વીતરાગતા, શુદ્ધસ્વરૂપ અને અલૌકિકદશામાં જ વૃત્તિ નિરંતર રાખવા યોગ્ય છેજી.
વારંવાર ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિ ક૨ના૨નો વાંકો વાળ થવાનો નથી. એક પરમકૃપાળુદેવને આશ્રયે આટલું આયુષ્ય ગાળવું છે અને તેને જ આશ્રયે દેહ છોડવો છે, એ નિશ્ચય મુમુક્ષુએ અંતકાળ સુધી ટકાવી રાખવાનો છે. તે પરમ જ્ઞાનીપુરુષે જાણ્યો છે તેવો મારો આત્મા છે, તેની મને અત્યારે ખબર નથી; પણ મારે, તેણે જાણ્યો છે તેવા આત્મા સિવાય બીજે ચિત્ત રાખવું નથી, બીજી કોઇ ચીજ ઉપર તેથી વિશેષ પ્રેમ થવા દેવો નથી. આત્મા સિવાય કંઇ જોઇતું નથી, ઇચ્છવું નથી, દુ:ખથી ગભરાવું નથી, મરણથી ડરવું નથી, કોઇ પ્રત્યે રાગ કે કોઇ પ્રત્યે કિંચિત્ દ્વેષ રાખવો નથી એવી જ્ઞાનીની આજ્ઞા મને અંતકાળ સુધી ટકી રહો. (બો-૩, પૃ.૩૯૬, આંક ૪૦૪)
D પરમકૃપાળુદેવ જેના હ્દયમાં વસ્યા છે, પરમકૃપાળુદેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયા છે, પરમકૃપાળુદેવના જે જે ગુણગ્રામ કરે છે અને તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ ભવ્ય જીવો પ્રશંસાપાત્ર છેજી.
આ કળિકાળમાં પણ જે કોઇ જીવનું કલ્યાણ થવું હશે તે અમથકી, બીજાથી નહીં – એવાં સત્ત્રદ્ધાપ્રેરક અને પોષક વચનો જેને ગમ્યાં છે, રોમ-રોમ ઊતરી ગયાં છે તેને ગમે તેવાં દુ:ખ આવો, ક્લેશનાં કારણો ઉત્પન્ન થાઓ કે મરણનો પ્રસંગ ભલે માથે ઝઝૂમતો જણાય તોપણ તે નિર્ભય રહી શકે છે; તે અનાથ, દીન, અશરણ નથી બનતો, પણ ‘‘લિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ.’’ એવી હિંમત રહે છે; વ્યાધિ આદિ કારણે આર્તધ્યાનનો પ્રસંગ હોય તોપણ તેને તે મહાપુરુષની ભક્તિના પ્રભાવે ધર્મધ્યાન થાય છે.
આ વાત વારંવાર વિચારી, ક્લેશનાં કારણ દૂર થાય અને પરમકૃપાળુદેવનું જ એક શરણ મરણ સુધી ટકી રહે તેવી વિચારણા સર્વ કુટુંબીજનોને કરતા રહેવા ભલામણ છેજી.
જગતની કોઇ ચીજ કે કોઇ જીવ આપણને મરણપ્રસંગે ઉપકારી થનાર નથી; પણ પરમકૃપાળુદેવનું શરણ, તેમના પ્રત્યે પ્રેમ અને તે પુરુષનું અચિંત્ય માહાત્મ્ય, સદાય તે આપણી સમીપ જ છે એ ભાવ પોષાય તેમ વર્તવાથી, ચર્ચવાથી, શ્રદ્ધવાથી જીવ સુખી થાય છેજી. (બો-૩, પૃ.૪૨૩, આંક ૪૩૨)
પરમકૃપાળુદેવનું યોગબળ અપૂર્વપણે વર્તે છેજી. અનેક જીવો તેના અવલંબને કલ્યાણ સાધી લેશે, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા. તે સાંભળીને, જે જે જીવો પરમકૃપાળુદેવની ઉપાસનામાં જોડાશે તેનું કલ્યાણ થશેજી.
ગભરાવાની જરૂર નથી. આપણે આપણાં પ્રારબ્ધ ભોગવ્યા વિના છૂટકો નથી; પરંતુ તે ભોગવતાં ભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે રહ્યા, તેણે સંમત કરેલું આ ભવમાં સંમત થાય તો જરૂર જીવનું કલ્યાણ થાય એમ છેજી.
જગતની અનેક મોહક વસ્તુઓમાંથી જેણે પ્રેમ ઉઠાવી એક પરમકૃપાળુદેવ અને તેનાં વચનામૃતમાં સ્થાપ્યો છે, તેને પૂર્વના વિઘ્નકર્તારૂપ કર્મો ભોગવાઇ રહ્યે એક આત્મઆરાધના થાય તેવી સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થવા યોગ્ય છેજી.