________________
૧૮.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સર્વ પ્રકારે જેમ માનવા યોગ્ય હોય છે, તેમ આ શુકરાજનું વાકય પણ અનેક પ્રકારના મારા પર ઉપકાર કરવાથી સર્વ પ્રકારે માનવા યોગ્ય છે. એ શુકરાજના ઉપકારનો બદલો હું કેમ વાળી શકીશ? એને શી શી વસ્તુની ઈચ્છા છે, તે કેમ જાણી શકાય? ગમે તેટલા એના પર ઉપકાર કરીએ, પણ એણે કરેલા ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. કેમકે એણે પ્રથમથી સમયાનુસાર યથાયોગ્ય ઈચ્છિત વસ્તુપ્રાપ્તિ વગેરેના અનેક પ્રકારના ઉપકાર મારા પર કર્યા છે. કહ્યું છે કે,
प्रत्युपकुर्वन् बह्वपि न भवति पूर्वोपकारिणस्तुल्यः ।
एकोऽनुकरोति कृतं निष्कारणमेव कुरुतेऽन्यः ||३१|| "પ્રત્યુપકાર ગમે તેટલા કરો, પણ પહેલાં કરેલા ઉપકારીના ઉપકારની તુલના થતી નથી, કારણ કે તે ઉપકાર કરનારના કાર્યનું અનુકરણ કરે છે, ત્યારે પ્રથમ ઉપકાર કરનારનું કાર્ય બદલાની આશા વગર કરાયેલું હોય છે.
આમ વિચાર કરતો તે રાજા પ્રીતિપૂર્વક તે શુકરાજના સન્મુખ જોવા જાય છે. તેટલામાં જેમ સૂર્યોદય થતાં બુધનો તારો અદશ્ય થાય તેમ તે અલોપ થઈ ગયો. જાણે રાજા પાછો ઉપકારનો બદલો વાળશે, એવા ભયથી જ તે સંતાત્મા રિસાઈ ગયો હોય તેમ થોડા વખતમાં તો તે કેટલોક દૂર નીકળી ગયો. કહ્યું છે કે, "સજ્જન પુરુષોની કોઈક એવી અલૌકિક કઠોર ચિત્તવૃત્તિ છે કે, તેઓ ઉપકાર કરીને પ્રત્યુપકારના ભયથી તરત જ દૂર ખસી જાય છે.”
આવો જ્ઞાનનિધિ જો નિરંતર મારી પાસે રહે તો, મુશ્કેલી શી વસ્તુની છે એની મને ખબર જ ન પડે; કેમ કે, સર્વ કાર્ય યથાસમય કરવાનું તે જાણી શકે છે એવા સહાયકારીનો યોગ, પ્રાયઃ સર્વકાળે સર્વત્ર સર્વને હોય જ નહીં. કદાચિત્ કોઈને તેવાનો યોગ મળી જાય તો નિભંગીના હાથમાં આવેલા ધનની જેમ લાંબો સમય રહે નહિ. પણ એ પોપટ કોણ હતો? તેને આટલું જ્ઞાન કયાંથી? મારા પર આટલી બધી મમતા શા માટે ? એ કયાંથી આવ્યો? ને કયાં ગયો? વળી એ વૃક્ષ પરથી વસ્ત્રાલંકારાદિકની વૃષ્ટિ કેમ થઈ? આ સેના કેમ આવી? ઈત્યાદિક જે મારા મનમાં સંદેહ છે. તે જેમ ગુફાના અંધકારને દીપક જ દૂર કરવાને સમર્થ છે, તેમ જ્ઞાની વિના બીજો કોણ દૂર કરી શકે?
સર્વ રાજામાં મુખ્ય તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વિચારમાં વ્યગ્રચિત્ત થયેલો આમતેમ જુએ છે, તેટલામાં સેનાધિપતિએ રાજાને પૂછયું : "સ્વામિન્ ! આ બધું શું બન્યું?” ત્યારે તેણે તે સૈનિકોની પાસે શુકરાજ મળ્યો હતો ત્યાંથી માંડીને છેવટે તે અદશ્ય થયો, ત્યાં સુધીની બધી વાર્તા કહી સંભળાવી, તે સાંભળી લગભગ બધા સૈનિકો આશ્ચર્ય પામીને બોલવા લાગ્યા કે, "મહારાજ! એ પોપટ તમારા ઉપર અત્યંત ભાવ રાખે છે, માટે તે તમને પાછો કયારેક જરૂર મળશે અને તમારા મનની ચિંતા દૂર કરશે; કારણ કે આવો હિત-વત્સલ છેલ્લે એમ ઉપેક્ષા કરીને હંમેશ માટે જાય જ નહીં, વળી તમારા મનનો સંદેહ પણ એ જ આવીને દૂર કરશે, કારણ કે એ પોપટ જ્ઞાની જણાય છે અને જ્ઞાનીને વાંકા દૂર કરતાં કેટલી વાર? હાલ આપ આ સર્વચિંતા છોડી દઈને આપણા નગરમાં પધારી તેને પવિત્ર કરો. આપના દર્શન માટે અધીરા બનેલા નગરજનોને આપના દર્શન આપીને આનંદિત કરો."