________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેવામાં અવસરનો જાણ ન હોય શું? તેમ પેલો પોપટ ઝટ પાસે આવી બોલવા લાગ્યો કે - " રાજ! તું મારી પાછળ આવ. હું તને માર્ગ દેખાડું. જો કે હું એક પક્ષી છું, છતાં પણ મારા પર વિશ્વાસ રાખનારને નિરાશ ન કરું. ચંદ્રમા સસલાને નિરંતર પોતાની પાસે જ નથી રાખતો શું? કોઈ સામાન્ય માણસ પણ મારે આશ્રયે આવ્યો હોય તો તેને નિરાશ ન કરું તો તમારા જેવા મહાન પુરુષને નિરાશ કેમ કરી શકું? હે આર્યશ્રેષ્ઠ રાજેન્દ્ર! હું ક્ષુદ્ર પ્રાણી છું. એમ સમજી તમે મને ભૂલી ગયા. પરંતુ હું તો તમને ભૂલનાર નથી." આવાં પ્રિય વાકયો સાંભળતાં જ રાજા આશ્ચર્ય પામ્યો અને ગાંગીલ ઋષિની રજા લઈ સ્ત્રી સહિત અશ્વ પર ચડીને તે પોપટ પાછળ ચાલ્યો. શીધ્રગતિથી પોપટ પાછળ ચાલતો, પોતાના રાજ્યની ચિંતાથી વ્યગ્ર થયેલો તે રાજા, થોડા જ વખતમાં પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરને દૂરથી દેખી શકાય, તેટલો નજીક આવી પહોંચ્યો અને શુકરાજ ત્યાં પાસે રહેલા એક વૃક્ષની ટોચ પર બેસી ગયો. તે જોઈ ચિંતાતુર રાજા તેને આગ્રહપૂર્વક કહેવા લાગ્યો – "જો કે સામે નગરના કિલ્લા, મહેલ દેખાય છે, તો પણ નગર હજી ઘણું દૂર છે, માટે તે શકરાજ ! રીસાયેલા માણસની જેમ અહીંયાં જ કેમ બેસી ગયો?” હુંકારપૂર્વક તેણે પ્રત્યુત્તર આપ્યો "ડાહ્યા પુરુષો જે કાંઈ કાર્ય કરે છે, તે કંઈ કારણ વગર કરતા નથી, તેનું સબળ કારણ હોય છે. આગળ ન જતાં અહીંયાં જ અટકી રહેવાનું પણ એક સબળ કારણ છે, માટે જ હું અહીંથી આગળ જતો નથી.”
આથી અત્યંત ગભરાઈને રાજા પૂછવા લાગ્યો કે "એવું શું કારણ છે? તે સત્વર મને કહી દે" તેણે કહ્યું "સાંભળો, મહારાજ! ચંદ્રપુરીનગરીના ચંદ્રશેખર રાજાની બેન ચંદ્રાવતી નામે તમારી જે હાલામાં વ્હાલી રાણી છે, તે બહારથી જ મધુર ભાષણ કરનારી છે પણ અંદરથી કપટી અને તમારા પ્રત્યે દુષ્ટવૃત્તિ રાખનારી છે. ખરેખર એ રાણી ગોમુખ જેવી છતાં વાઘણ જેવી દેખાય છે. પાણીની માફક નારીની પણ નીચી જ ગતિ હોય છે. તમે જ્યારે કમલમાલાના મેળાપને માટે મારી સાથે રાજ્ય સૂનું મૂકી, આવતા રહ્યા, ત્યારે તે રાણીએ ડાકણની જેમ છલ કરીને પોતાના ભાઈ ચંદ્રશેખરને તમારું રાજ્ય તાબે કરવાનો આ અનુકૂળ અવસર છે એમ જણાવ્યું. પોતાના ધારેલા કામને પાર પાડવામાં સ્ત્રીઓમાં કપટ એ જ મોટું બળ હોય છે. સહજમાં આવી મળતા રાજ્યને લેવા કોણ ન ઉત્સુક હોય? તેમ તે ચંદ્રશેખર પોતાનું ચતુરંગ સૈન્ય લઈ તમારું રાજ્ય લેવાની આશાથી સત્વર તમારા નગર સમીપ આવી પહોંચ્યો છે. પણ અંદર રહેલા તમારા પ્રધાનો અને સેનાપતિ આદિએ ત્વરાથી નગરના દરવાજા બંધ કરી દીધા હોવાથી પ્રજાના પર જેમ સર્પ વીંટાઈ જાય, તેમ આ તમારા નગરને ચોતરફ પોતાના સૈન્યથી ઘેરીને તે રાજા નગરની બહાર જ સમુદ્ર સરખી સેના લઈ પડ્યો છે, કિલ્લા પર ચડીને તારા વીર તેજસ્વી સુભટો અભિમાનપૂર્વક ચંદ્રશેખરના સૈન્ય સાથે યુદ્ધ કરી રહ્યા છે. પરંતુ લોકમાં કહેવત છે કે - નાયક વિનાનું સૈન્ય હાર જ પામે, માટે તારા વિના શત્રુઓને તેઓ શી રીતે જીતી શકે? વળી આવું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં આપણે પણ એકદમ શી રીતે જઈ શકીએ? એ વિચારે જ મનમાં ખેદ ધરતો હું આ વૃક્ષ પર બેઠો છું અને વૃક્ષ પર બેસી જવાનું પણ એ જ કારણ છે.”
આવી હૃદય વિદારનારી વાર્તા સાંભળતાં જ અતિક્ષુબ્ધ થયેલા રાજાના અંત:કરણમાં જાણે પ્રવેશમાર્ગ મળ્યો હોય તેમ તીવ્ર સંતાપે પ્રવેશ કર્યો. આ વખતે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે,