________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વામી છો; અજર, અમર, અચર (અચળ), અભય (ભયરહિત), અપર (જેથી વધારે બીજો પરોપકારી નહીં એવા), અપરંપાર (સર્વોત્કૃષ્ટ) પરમેશ્વર, ૫૨મ યોગીશ્વર, હે શ્રી યુગાદિ જિનેશ્વર ! તમને નમસ્કાર થાઓ.”
૧૪
એ પ્રકારે મનોહર ગદ્યાત્મક વાણીવડે હર્ષભર જિનરાજની સ્તુતિ કરીને તે ગાંગીલ મહર્ષિ નિષ્કપટપણે મૃગધ્વજ રાજા સમક્ષ બોલવા લાગ્યો, "ૠતુધ્વજ રાજાના કુળમાં ધ્વજ સમાન, હે મૃગધ્વજ રાજા ! તું ભલે આવ્યો. હે વત્સ ! અકસ્માત્ તારા આગમનથી અને દર્શનથી હું અત્યંત આનંદ પામ્યો છું. તું આજે અમારો અતિથિ છે, માટે આ દેવાલયની પાસે આવેલા અમારા આશ્રમમાં ચાલ, એટલે અમે તારો યોગ્ય અતિથિસત્કાર કરીએ, કેમકે, તારા જેવા પરોણા ભાગ્યે જ મળે.”
કોણ આ મહર્ષિ ? શા માટે મને આટલા આગ્રહપૂર્વક બોલાવે છે ? અને એ મારું નામ પણ કચાંથી જાણી શકયા ? એમ વિચાર કરતો વિસ્મિત થયેલો મૃગજ રાજા તે મહર્ષિના આશ્રમે ઘણી ખુશીની સાથે ગયો, કારણકે "ગુણી હોય તે કોઈ સત્પુરુષની પ્રાર્થનાનો ભંગ કરતા નથી.” પછી મહાપ્રતાપી એવા રાજાનો તાપસો સર્વ પ્રકારે અતિથિ યોગ્ય સત્કાર કરવા લાગ્યા. ત્યાર પછી ગાંગીલ ઋષિ બોલ્યા કે, "અહીં આમ અચાનક આજે આવીને તમે અમોને ખરેખર કૃતાર્થ કર્યા છે. માટે અમારા કુળ માં ભૂષણ સમાન તથા સમસ્ત વિશ્વના નેત્રોને વશ કરવામાં કામણ સમાન, વળી અમારા સાક્ષાત્ જીવિત સમી, તથા દિવ્ય પુષ્પોની માળા જેવી અમારી કન્યા કમલમાલાને તમે જ યોગ્ય છો; ચક્ષુને પણ કામણગારી, અમારા જીવિતના પણ જંગમ જીવિતસમી આ કન્યાનું પાણિગ્રહણ કરીને અમને કૃતાર્થ કરો.” આવું તે ગાંગીલ ઋષિનું બોલવું સાંભળી "ભાવતું હતું ને વૈદ્ય બતાવ્યું હોય” તેમ તે મનગમતી વાત છતાં તે રાજાએ ઘણા આગ્રહ પછી તે કબૂલ કર્યું. કેમ કે, સત્પુરુષની રીત એવી જ બહુમાનભરી હોય છે. તે પછી ગાંગીલ ઋષિએ પ્રફુલ્લિત થતા નવયૌવનવાળી પોતાની 'કમલમાલા' કન્યાનું તત્કાળ તે રાજા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ખરે જ, ઈષ્ટ કાર્યમાં કોણ વિલંબ કરે ?
જેમ રાજહંસ કમલની પંક્તિને દેખીને પ્રસન્ન થાય, તેમ કેવલ વલ્કલ (વૃક્ષની છાલ)ના વસ્ત્રોને ધારણ કરનારી તે કમલમાલાને પ્રાપ્ત કરવાથી રાજા અત્યંત પ્રસન્ન થયો. આનંદપૂર્વક તાપસીઓના વૃંદે ધવલ-મંગલ ગીતો ગાવા માંડયા. અને ગાંગીલ ઋષિએ પોતે જ યોગ્ય વિધિથી કમલમાલાને તે રાજા સાથે પરણાવી. ત્યારપછી કરમોચન (હાથ છોડાવતી) વખતે તે રાજાને આપવા યોગ્ય તે ઋષિની પાસે બીજું શું હોય ? તો પણ તેણે તે દંપતીને પુત્ર થાય એવો મંત્ર સમર્પણ કર્યો, લગ્ન થયા પછી મૃગધ્વજ રાજાએ ગાંગીલ મહર્ષિને કહ્યું કે, "અમોને વિદાય કરવાની જે કાંઈ તમારે તૈયારી કરવી હોય, તે સત્વર કરી અમને વિદાય કરો; કારણ કે હું મારું રાજ્ય કોઈને સોંપ્યા વગર જ આવ્યો છું.” તેના જવાબમાં ઋષિ બોલ્યા કે "દિશારૂપ જ (દિગમ્બર) વસ્ત્રના પહેરનારા અમો, તમોને વિદાય કરવાની તૈયારી શું કરીએ ? કયાં તમારો દેવતાઈ વેષ અને કયાં અમારો વનવાસ (વૃક્ષની છાલ)નો વેષ ! અમારી કન્યા પોતાના પિયરના સામાન્ય વેષને દેખીને શું લજવાતી નથી ? વળી આ અમારી કમલમાલાએ, જન્મી ત્યારથી ફકત આ તાપસી પ્રવૃત્તિ જ નજરે દીઠી છે; એટલે આ વૃક્ષોને પાણી સિંચવાની કળા સિવાય બીજી કોઈપણ કળા તે જાણતી નથી. માત્ર તમારા ઉપર અત્યંત સ્નેહ રાખનારી