________________
૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આટલું જ માત્ર સાંભળીને રાજાએ વિચાર્યું કે – બોલવામાં વિચક્ષણ આ પોપટે ખરેખર મને ગામડિયા સમાન ગણ્યો અને તેથી એમ વિતર્ક થાય છે કે મારી રાણીઓ કરતાં પણ અત્યંત સ્વરૂપવંતી
સ્ત્રી એણે ક્યાંય પણ દેખી હોવી જોઈએ, આ પ્રમાણે તે પોતાના મનમાં વિચાર કરે છે, તેટલામાં અધૂરી વાત કોઈને સંતોષી શકતી નથી, એમ ધારી આકાર અને વાણી બંનેથી મનોહર એ પોપટ બોલવા લાગ્યો કે - "જ્યાં સુધી ગાંગીલ ઋષિની કન્યાને તે જોઈ નથી, ત્યાં સુધી જ આ પોતાની રાણીઓને, હે રાજા ! તું ઉત્કૃષ્ટ માને છે. સર્વાંગસુંદર, આખા જગતની શોભારૂપ અને વિધાતાના સૃષ્ટિરચનાના પરિશ્રમના એક ફળરૂપ તે કન્યા છે. એ કન્યા જેણે જોઈ નથી, તેનું જીવિત પણ નિષ્ફળ છે અને કદાચિત્ જોઈ હોય, પણ તેને જો આલિંગન ન કર્યું, તો નિચ્ચે કરી તેનું જીવિત પણ વ્યર્થ જ છે. જેમ ભ્રમર નવમાલતીને દેખીને બીજાં પુષ્પોની સુગંધને છોડી દે છે, તેમ આ કન્યાને જે જુએ તે પુરુષ કોઈપણ બીજી સ્ત્રી સાથે પ્રીતિ કરે જ નહિ. એવી સૂર્યની પુત્રી જેવી એ કમલમાલા નામની કન્યાને જોવાની તેમ જે મેળવવાની જો તને ઈચ્છા હોય તો, હે રાજા, તું મારી પાછળ પાછળ આવ.”
એમ કહીને અત્યંત ઉતાવળો તે પોપટ આકાશમાર્ગે ઊડીને જાય છે, તેટલામાં ઘણી જ ઉત્સુકતાપૂર્વક રાજાએ પોતાના સેવકોને બોલાવી હુકમ કર્યો કે, "અરે ! અરે ! સેવકો પવનના સમાન ગતિવાળા 'પવનવેગ નામના ઘોડાને તૈયાર કરીને જલ્દી લાવો, જલ્દી લાવો.” નોકરોએ તરત જ તે અશ્વને સાજસહિત હાજર ર્યો. તેના પર ક્રોડો રાજાનો આગેવાન તે રાજા સ્વાર થઈ, પોપટની પાછળ પાછળ ચાલ્યો. અહીંયાં આટલું આશ્ચર્ય છે કે, તે પોપટની વાત માત્ર રાજાએ જ સાંભળી, પણ જેમ દૂર રહેલા માણસો ન સાંભળે, તેમ નજીક રહેલા તે રાજાના સેવકો, અને રાણી પ્રમુખ બીજા કોઈએ પણ તે વાત સાંભળી જ નહીં. આ હકીકતથી અજાણ મંત્રીવર્ગ રાજાના એકાએક કહ્યા વગર ચાલ્યા જવાથી આકુળ -વ્યાકુળ થતો બોલવા લાગ્યો કે, "આજે રાજાને આ શું થયું? અને એ કયાં જાય છે? એ જાણવા તે લોકોમાંના કેટલાક માણસો અશ્વો પર સ્વાર થઈ રાજાની પાછળ દોડયા, પરંતુ રાજા એટલો તો ઝડપથી આગળ નીકળી ગયો, કે તે કયા માર્ગે દૂર નીકળી ગયો, તેનો પત્તો પણ લાગ્યો નહીં; તેથી અંતે રખડી રખડીને તે સર્વે પાછા આવ્યા.
પેલો પોપટ આગળ અને રાજા પાછળ એમ માર્ગ કપાતાં પળવારમાં પવનની જેમ તેઓ પાંચસો યોજન દૂર નીકળી ગયા. આ પ્રમાણે કોઈ દૈવી-પ્રભાવથી જ રાજા, અશ્વ અને શુકરાજ એ ત્રણ જણ ક્ષણવારમાં આટલી ભૂમિ ઉલ્લંઘન કરી ગયા, તથાપિ તેમને જરામાત્ર થાક લાગ્યો નહીં. જેમ કર્મ સંબંધથી ખેચાયેલો પ્રાણી સમયમાત્રમાં ભવાંતર જઈ પહોંચે છે, તેમ વિઘ્ન-નિવારક શુકરાજથી ખેંચાયેલો રાજા પણ ક્ષણવારમાં એક મહાવિકટ અટવીમાં જઈ પહોંચ્યો, એ પણ એક આશ્ચર્ય જ છે કે, પૂર્વભવના સ્નેહસંબંધ કે સંસ્કારથી તે રાજા કમલામાલાની પ્રાપ્તિને માટે આટલો બધો માર્ગ ઉલ્લંઘી દોડી આવ્યો. જો એમ ન હોય તો સ્થાનાદિકની માહિતી વગર તે સ્થાનમાં જવા સપુરુષ એકાએક પ્રવૃત્તિ જ કેમ કરે?
તે અટવીના મધ્યમાં મનોહર, સૂર્યકિરણથી ઝળકતું, મેરુપર્વતનું એક શિખર ન હોય શું? એવું ઊચું, દર્શનથી પણ કલ્યાણકર, રત્નજડિત સુવર્ણમય શ્રી ઋષભદેવસ્વામીનું એક દેવાલય હતું. તે પ્રાસાદના કલશ ઉપર બેસીને મધુર વાણીથી પેલો શુકરાજ બોલવા લાગ્યો કે, "હે રાજન્ ! જન્મથી