________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
આ ભોળીને શોકયો (તમારી બીજી સ્ત્રીઓ) તરફથી ઈષ્યરૂપ પીડા થવા દેશો નહીં.” રાજાએ ઉત્તર આપ્યો કે, "એને શોક્યો તરફથી 'પરા ભૂતિ' (ઘણી ઋદ્ધિ) થશે પણ પરાભૂતિ' (તિરસ્કાર) નહિ થાય. હું પણ એનું વચન ઉત્થાપીશ નહીં. અહીંયાં તો હું એને અલંકાર (દાગીના) તથા સુવસ્ત્ર વેષવડે શોભાવી શકતો નથી, પરંતુ સ્વ-સ્થાનકે ગયા પછી હું એના સંપૂર્ણ મનોરથોને પૂરા પાડીશ.” આવાં વચનો સાંભળી ગાંગીલ ઋષિ ખેદ પામીને બોલવા લાગ્યા કે, ધિક્કાર છે મને કે હું આ-જન્મ-દરિદ્રીની જેમ સાસરે વળાવતી વખતે પણ આ મારી પુત્રીને યોગ્ય વસ્ત્ર-વેય પણ સમર્પણ કરી શકતો નથી."
આમ બોલતા બોલતા ઋષિવરના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી, એટલામાં પાસે રહેલા એક આમ્રવૃક્ષમાંથી નિર્મળ (સ્વચ્છ) રેશમી વસ્ત્ર અને અત્યુત્તમ આભૂષણોની પરંપરા આકાશમાંથી જાણે - મેઘવૃષ્ટિ થતી હોય તેમ ચમત્કારિક રીતે પડવા લાગી. આ પ્રમાણે આભૂષણાદિકની વૃષ્ટિ થવાથી તેમણે અત્યંત ચમત્કાર પામી નિશ્ચય કર્યો કે, ખરેખર આ ઉત્કૃષ્ટ ભાગ્યશાળી કન્યાના ભાગ્યોદયથી જ એની ભાગ્યદેવીએ આ વૃષ્ટિ કરી છે. ફળદાયક વૃક્ષો ફળ આપી શકે છે, મેઘ જળવૃષ્ટિ કરી શકે છે, પણ આશ્ચર્ય છે કે, આ ભાગ્યશાળી કન્યાના ભાગ્યોદયથી વૃક્ષે પણ વસ્ત્રાલંકારની વૃષ્ટિ કરી, માટે ધન્ય છે એ કન્યાના ભાગ્યને ! કહ્યું છે કે - "પુણ્યવંતના ભાગ્યોદયથી અસંભવિત પણ સંભવિત થઈ જાય છે. જેમ રામચંદ્રજીન પુણ્યોદયે સમુદ્રમાં પથ્થર પણ કરી શકતા હતા, તો વૃક્ષો વસ્ત્રાલંકાર આપી શકે એમાં શંકા જેવું શું છે?"
ત્યારપછી હર્ષિત થયેલા મહર્ષિને સાથે લઈને મૃગધ્વજ રાજા કમલમાલા સહિત ચિત્તને પ્રસન્ન કરનારા જિન-પ્રસાદ તરફ આવ્યો. ત્યાં ઋષભદેવસ્વામીને વિધિપૂર્વક વંદન કરીને સ્તવના કરવા લાગ્યો કે, "હે પ્રભુ! જેમ શિલામાં કોતરેલી મૂર્તિ તેમાં સ્થિર થઈને રહે છે, તેમ મારા હૃદયમાં પણ તમારું સ્વરૂપ સ્થિર થઈ રહ્યું છે. માટે હે ભગવાન્ ! તમારું પવિત્ર દર્શન મને ફરીને સત્વર થજો” એમ પ્રથમ તીર્થકરને વિનયપૂર્વક વંદન-સ્તવન કરીને કમલમાલા સહિત તે રાજા, દેવ-પ્રાસાદની બહાર આવીને ગાંગીલ ઋષિને માર્ગ પૂછવા લાગ્યો. ત્યારે મહર્ષિ બોલ્યા કે, તમારા નગરનો માર્ગ હું જાણતો નથી." ત્યારે રાજાએ કહ્યું - "અમારા નગરનો માર્ગ પણ તમે જાણતા નથી તો તમે મારું નામ કયાંથી જાણ્યું? મહર્ષિએ જવાબ આપ્યો, "સાંભળો, એક દિવસ આ મારી નવયૌવના કન્યાને જોઈ હું વિચારતો હતો કે આ મારી રૂપવતી કન્યાને યોગ્ય વર કોણ હશે? તેટલામાં આ આમ્રવૃક્ષ ઉપર બેઠેલા કોઈ શુકરાએ મને કહ્યું કે, "ઋષિવર ! એના વર માટે નું ફોગટ ચિંતા કરીશ નહીં, ઋતુધ્વજ રાજાના પુત્ર મૃગધ્વજ રાજાને આજે જ હું આ ઋષભદેવના પ્રાસાદમાં લાવીશ. કલ્પવલ્લિને યોગ્ય તો કલ્પવૃક્ષ જ હોય, તેમ આ કન્યાને યોગ્ય તે જ સર્વોત્કૃષ્ટ વર છે, માટે એની ચિંતા ન કર.” એમ કહીને તે શુકરાજ તત્કાળ ઉડી ગયો, પછી થોડા જ સમયમાં આપ અહીં પધાર્યા. "અનામત થાપણ તરીકે રાખેલી વસ્તુ જેમ પાછી અપાય” તેમ મેં એના કહેવાથી જ આ કન્યા તમને આપી છે. આ સિવાય બીજી વધારે વાત હું જાણતો નથી." એમ બોલી ગાંગીલ ઋષિ મૌન રહ્યા. હવે શું કરવું? એ ચિંતામાં રાજા આમતેમ જુએ છે.