________________
ચજહૃદય ભાગ-૧૨
આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે કયારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.
આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી.
ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતિ કરશો.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એજવિનંતિ.
આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય.
૫૭૯મો પત્ર છે સોભાગભાઈ ઉપરનો છે. પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પતું મોરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે.” એટલે “મોરબીથી આ નીકળી ગયા. “સાયેલા પહોંચાડે એવું હોઈ શકે. “શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે;” સંકોચ ન કરવો, વિકલ્પ ન કરવો. કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. એટલે બાહ્ય નિવૃત્તિ રહેશે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં