________________
૧૮૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
આ પ્રમાણે હે મીમાંસકો ! જો તમે કહેશો તો અમે જેનો તમને પુછીએ છીએ કે તે “અર્થપ્રાકટ્ય” શું આત્મધર્મ છે ! કે શું જ્ઞાનધર્મ છે ? કે શું અર્થ ધર્મ છે ? આ ત્રણ પક્ષોમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારશો? જો આ અર્થપ્રાકટ્ય આત્મધર્મ છે એમ કહેશો તો એટલે કે આદ્ય પ્રકાર સ્વીકારશો તો તે ઉચિત નથી. કારણ કે તેમ માનવાથી પ્રભાકરના પક્ષરૂપી પાંજરામાં પ્રવેશ કરવાનો પ્રસંગ આવશે. પ્રભાકરદર્શનનુયાયી અર્થપ્રાકટ્યને આત્મધર્મ માને છે. પરંતુ કુમારિલભટ્ટ દર્શનાનુયાયી અર્થપ્રાકટ્યને આત્મધર્મ માનતા નથી. તેથી જો આમ અર્થપ્રાકટ્યને આત્મધર્મ કહેશો તો સ્વમતને છોડી તમારાથી પર એવા પ્રભાકરના મતમાં પ્રવેશવાનો પ્રસંગ તમને આવશે. - હવે જો બીજો પ્રકાર કહો તો એટલે “અર્થપ્રાકટ્ય” એ જ્ઞાનનો ધર્મ છે એમ જો કહો તો તે પણ વ્યાજબી નથી. કારણ કે જ્ઞાન એ ક્ષણિક હોવાથી જે સમયમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમયમાં જ તે જ્ઞાન ક્ષીણ થતું હોવાથી તે જ્ઞાનના ક્ષણથી ઉપરિતન (બીજા) ક્ષણમાં ઉત્પન્ન થવાવાળા તે અર્થપ્રાકટ્યને જ્ઞાનનો ધર્મ માનવામાં વિરોધ જ આવશે. કારણ કે ધર્મી એવું જ્ઞાન પૂર્વસમયવર્તી છે અને ધર્મ એવું અર્થપ્રાકટ્ય ઉત્તર સમયવર્તી છે. બન્ને ભિન્ન ભિન્ન સમયવર્તી હોવાથી ધર્મધર્મીભાવ માનવો તે વિરૂધ્ધ છે. ધર્મીની ગેરહાજરીમાં જ આવનારો તે ધર્મ પૂર્વના ધર્મીનો ધર્મ કેમ થઈ શકે ? માટે બીજો પક્ષ પણ વ્યાજબી નથી.
હવે જો આ અર્થપ્રાકટ્ય એ અર્થ = પદાર્થ = ઘટપટાદિનો ધર્મ છે. એમ ત્રીજો પક્ષ જો કહો તો તે પણ વ્યાજબી નથી, કારણ કે જો અર્થપ્રાકટ્ય એ અર્થનો ધર્મ હોય તો ચૈત્રની જેમ મૈત્રને પણ તે અર્થ પ્રગટ જણાવો જોઈએ. કારણ કે ઘટ-પટાદિ પદાર્થો ચૈત્રને
જ્યારે જણાય છે, ત્યારે ચૈત્રને થનારા જ્ઞાનમાં કારણભૂત એવી અર્થપ્રાકટ્યતા પદાર્થમાં રહેલી છે. માટે ચૈત્રની જેમ મૈત્રને પણ જ્ઞાનપ્રાપ્તિમાં અર્થની અંદર રહેલી તે અર્થપ્રાકટ્યતા કારણ બનવી જોઈએ. - હવે કદાચ તમે એમ કહો કે જે વ્યક્તિના જ્ઞાનવડે “અર્થપ્રાકટ્ય” રૂપ અર્થધર્મ ઉત્પન્ન થયો હોય તે વ્યક્તિને જ તે અર્થધર્મ રૂપ અર્થપ્રાકટ્ય અર્થનો બોધ કરાવે છે. બીજાને કરાવતો નથી. આવો નિયમ છે. માટે ચૈત્રના જ્ઞાનવડે અર્થપ્રાકટ્ય ઉત્પન્ન થયું હોય તો તે અર્થપ્રાકટ્ય માત્ર ચૈત્રને જ અર્થબોધ કરાવે છે. પરંતુ મૈત્રને નહી. જો આમ કહો તો તમારી આ વાત દુર્ઘટ છે. અર્થાત્ અઘટિત-અનુચિત છે. કારણ કે પ્રતિનિયત એવા પ્રમાતાએ (અમુક ચોક્કસ એવા દેવદત્તાદિ પ્રમાતાએ) પ્રબોધિત કરેલા (એટલે કે સળગાવેલા) પ્રદીપના પ્રકાશથી પ્રકટિત થયેલા ઘટનો અનિયત (ગમે તે) વ્યક્તિવડે બોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org