________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
જૈનદર્શનકારો હવે મીમાંસકોના મતનું ખંડન કરતા છતા પુછે છે કે અભાવપ્રમાણસંબંધી તે ચર્ચામાં (ચક્ષુરાદિઇન્દ્રિયજન્ય એવા) પ્રત્યક્ષપ્રમાણવડે આધારભૂત એવી ભૂતલાદિ જે વસ્તુ ગ્રહણ થાય છે તે પ્રતિયોગિ એવા ઘટાદિથી સંસૃષ્ટ ગ્રહણ થાય છે કે અસંસૃષ્ટ ગ્રહણ થાય છે ? એટલે કે ઘટાદિથી સહિત ભૂતલ દેખાય છે કે ઘટાદિથી રહિત ભૂતલ દેખાય છે ?
જો પ્રથમ પક્ષ કહો તો તે ઉચિત નથી, કારણ કે પ્રતિયોગિ (એવા ઘટાદિ)થી સંસૃષ્ટ (એટલે યુક્ત) એવી ભૂતલાદિ વસ્તુ જો ચાક્ષુષાદિ પ્રત્યક્ષ વડે ગ્રહણ કરાતી હોય તો (પ્રતિયોગિ એવા ઘટાદિ ત્યાં હાજર હોવાથી) પ્રતિયોગીના અભાવને જણાવનારા તરીકે “અભાવ” પ્રમાણની પ્રવૃત્તિ જ થશે નહીં. જો ઘટાદિ વિદ્યમાન છે તો તેના અભાવને જણાવનારા એવા અભાવપ્રમાણની પ્રવૃત્તિ માનવામાં વિરોધ આવશે. ઘટાદિ પ્રતિયોગી હાજર છે તેથી અભાવપ્રમાણ કેમ પ્રવર્તે ?
૨૪૯
અથવા ઘટાદિ પ્રતિયોગી હાજર હોવા છતાં પણ જો અભાવ નામનું પ્રમાણ પ્રવર્તે છે. તો તે અભાવપ્રમાણની પ્રમાણતા રહેશે નહીં, તે અપ્રમાણ જ ઠરશે, કારણ કે પ્રતિયોગી એવા ઘટાદિનું અસ્તિત્વ હોવા છતાં પણ “નાસ્તિતા”નું જ્ઞાન કરાવનાર તે પ્રવર્તે છે માટે, યથાર્થજ્ઞાન હોય તો પ્રમાણ માની શકાય, આ તો અયથાર્થજ્ઞાન થયું, વસ્તુ અસ્તિ છે અને પ્રમાણ તરીકે માનેલું જ્ઞાન નાસ્તિ જણાવે છે. આ રીતે અયથાર્થ હોવાથી પ્રમાણતા રહેશે નહીં.
હવે જો બીજો પક્ષ કહો તો, એટલે કે ઘટાદિથી રહિત એવું ભૂતલ પ્રત્યક્ષપ્રમાણવડે જણાય છે એમ કહો તો આ અભાવને પ્રમાણ માનવું જ વ્યર્થ થશે. કારણ કે પ્રત્યક્ષપ્રમાણવડે (જેમ ભૂતલ ચક્ષુ દ્વારા ગ્રહણ થાય છે તેવી જ રીતે ભૂતલના વિશેષણરૂપે) પ્રતિયોગી એવા ઘટાદિના અભાવનો બોધ પણ થાય જ છે. જેમ પુષ્પ ઘ્રાણગ્રાહ્ય છે તો તેમાં રહેલી ગંધ કે ગંધાભાવ પણ ઘ્રાણગ્રાહ્ય હોય જ છે કારણ કે ગંધ કે ગંધાભાવ પુષ્પનું સ્વરૂપ છે. સાકર રસનાગ્રાહ્ય હોય, તો તેની મધુરતા કે તિક્તતાનો અભાવ રસનાથી ગ્રહણ થઈ જ જાય છે, કારણ કે મધુરતા કે તિતતાનો અભાવ એ સાકરનું સ્વરૂપ છે. એવી જ રીતે ભૂતલ ચાક્ષુષપ્રત્યક્ષ હોતે છતે તેના વિશેષણરૂપે રહેલો ઘટાભાવ પણ ભૂતલનું જ સ્વરૂપ હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષાદિવડે જ ગ્રહણ થાય છે. માટે તેમાં ભૂતલને જણાવનારૂં પ્રત્યક્ષપ્રમાણ અને ઘટાભાવને જણાવનારૂં અભાવપ્રમાણ એમ જુદુ પ્રમાણ માનવાની કોઈ આવશ્યકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org