________________
પ્રમાણ
વસ્તુ અનંતધર્માત્મક છે. અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણનો વિષય છે. (પ્રમાણ દ્વારા પ્રમેયનું જ્ઞાન થાય છે અને અનંતધર્માત્મક વસ્તુ પ્રમેય છે. આથી અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે.)
પ્રમાણ સ્યાદ્વાદ સિદ્ધાંતનો ઉપષ્ટભક છે. પ્રમાણના સ્વરૂપ અને તેના પ્રકારો વિશે દરેક દર્શનોએ વિસ્તારથી વિચારણા કરી છે. આપણે અહીં જૈનદર્શન પ્રમાણનું સામાન્ય લક્ષણ શું માને છે? અને પ્રમાણના કેટલા પ્રકાર માને છે? તથા અન્યદર્શનો સાથે ક્યાં મતભેદ છે? તે અંગેની વિચારણા કરીશું. પ્રમાણ સામાન્યનું લક્ષણ :
સૌથી પ્રથમ પ્રમાણના સામાન્યલક્ષણને જોઈશું. સામાન્ય લક્ષણને જાણ્યા વિના વિશેષલક્ષણોનો બોધ થઈ શકતો નથી. દાર્શનિક જગતમાં પ્રમાણના સામાન્ય લક્ષણ અંગે ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. જૈનદર્શને સ્યાદ્વાદ સિદ્ધાંતના સહારે પ્રમાણનું યથાર્થ સામાન્ય લક્ષણ જણાવ્યું છે. જૈનદર્શને જણાવેલા પ્રમાણના લક્ષણમાં કોઈપણ વ્યક્તિ દોષ આપી શકે તેમ નથી. જ્યારે અન્યદર્શનોએ પ્રમાણના જે સામાન્ય લક્ષણો આપ્યા છે, તેમાં ઘણી વિસંગતિઓ આવે છે.