________________
૩૦૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આ દીપના દૃષ્ટાંતથી સિદ્ધ છે કે, જ્યારે એક દ્રવ્ય રૂપ અધિકરણમાં સમાન આકારના પર્યાય ઉત્પન્ન થાય છે, ત્યારે પર્યાયોનો ભેદ પ્રતીત થતો નથી, પરંતુ કેવળ અનુગામી દ્રવ્ય પ્રતીત થાય છે. દીપની જેમ સમસ્ત અર્થ પુદ્ગલના પરિણામ છે. જ્યારે તેમાં અન્ય હેતુઓથી ભિન્ન આકારને ધારણ કરવાવાળા પરિણામ ઉત્પન્ન થતા નથી, ત્યારે પણ સમાન આકારના પરિણામ ઉત્પન્ન થતાં રહે છે. આ સમાન આકારના પ્રતિક્ષણ ઉત્પન્ન થવાવાળા પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ અનુગામી દ્રવ્યમાં રહે છે. આ શક્તિ પ્રત્યેક દ્રવ્યમાં છે. શક્તિ અને શક્તિમાનનો અભેદ છે. તેથી શક્તિ પણ દ્રવ્ય કહેવાય છે. આ શક્તિરૂપ દ્રવ્ય પ્રત્યેક વસ્તુમાં છે. એક સ્થાન પર પડેલો ઘટ અથવા લોખંડ પણ પ્રતિક્ષણ નવા નવા પર્યાયોને ઉત્પન્ન કરે છે. એક જ ઘટ જે રીતે નામરૂપ અને સ્થાપના રૂ૫ છે, તે જ રીતે શક્તિરૂપ હોવાથી દ્રવ્યરૂપ પણ છે. આથી દ્રવ્ય વસ્તુ હોવામાં શંકા નથી થઈ શકતી. હવે સર્વ વસ્તુની ભાવાત્મકતા અને સમસ્ત જગતને નામાદિ ચતુષ્ટયાત્મક જણાવતાં કહે છે કે,
भावात्मकं च सर्वं परापरकार्यक्षणसन्तानात्मकस्यैव तस्यानुभवादिति चतुष्टयात्मकं जगदिति नामादिनयसमुदयवादः। (जैनतर्कभाषा)
અર્થ - સમસ્ત વસ્તુ ભાવાત્મક છે અર્થાત્ પર્યાયરૂપ છે. પ્રત્યેક ક્ષણમાં થવાવાળા પર અપર કાર્યોની પરંપરાના રૂપમાં અર્થનો અનુભવ થાય છે. આ કારણે સમસ્ત જગત નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ ચારેયના સ્વરૂપમાં છે. આ નામ આદિ નયોનો સમુદયવાદ છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે પણ અર્થનો અનુભવ થાય છે, ત્યારે કોઈ એક પર્યાયના રૂપમાં થાય છે, પ્રત્યેક અર્થમાં નામ, આકાર, દ્રવ્ય અને પર્યાય છે. પ્રત્યેક અર્થમાં કેવળ નામ, કેવળ આકાર, કેવળ દ્રવ્ય અથવા કેવળ પર્યાય ક્યાંય પણ નથી. ઘટને જ્યારે જોઈએ છીએ,