________________
૧૮૬
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
એનો છે તેથી દંડી. વિષાણ એનો છે તેથી વિષાણી. આ રીતે તેમાં પણ હોવાની ક્રિયા પ્રધાન છે. શબ્દોના પાંચ પ્રકાર કેવળ વ્યવહારથી છે, નિશ્ચયથી નહીં આ વસ્તુને આ નય સ્વીકારે છે.
કહેવાનો આશય એ છે કે, પાંચ પ્રકારના શબ્દ માનવામાં આવે છે. જાતિ શબ્દ, ગુણ શબ્દ, ક્રિયા શબ્દ, યદચ્છા શબ્દ અને દ્રવ્ય શબ્દ. આ બધાં જ શબ્દોમાં કોઈ ને કોઈ ક્રિયા અવશ્ય પ્રતીત થાય છે. જેને ક્રિયા શબ્દ કહેવાય છે, તેમાં ક્રિયા અતિ સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે અને અન્ય શબ્દોમાં ક્રિયાનું ભાન અસ્પષ્ટ રૂપે થાય છે. ગો આદિ શબ્દોને જાતિ શબ્દ કહેવાય છે અને ત્યાં પણ વ્યુત્પત્તિ મુજબ ગમન આદિ ક્રિયાનો સંબંધ પ્રતીત થાય છે. શુક્લ આદિ રૂપ ગુણ છે તેથી શુક્લ આદિ શબ્દોને ગુણના વાચક હોવાથી ગુણ શબ્દ કહેવાય છે. જે શુચિ થઈ રહ્યું છે તે શુક્લ છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે નિર્મળ થવું એક ક્રિયા છે, જેની સાથે સંબંધ થવાથી રૂ૫ શુક્લ કહેવાય છે. ગતિ આદિ ક્રિયાઓની સમાન હોવું ક્રિયા, ચલન રૂપ નથી પરંતુ ક્રિયા છે. હોવું એક પ્રકારનો પરિણામ છે અને પરિણામ ક્રિયા છે. જેટલા પણ અર્થ છે, તે પરિણામી છે. જીવ-પુગલ આદિ જેટલા પણ ચેતન-અચેતન દ્રવ્ય છે, બધા પર્યાયોથી યુક્ત છે. પર્યાય ક્ષણિક છે. પ્રથમ ક્ષણમાં જે પર્યાય છે, તે બીજી ક્ષણે નથી. ચલનરૂપ અથવા અચલનરૂપ પરિણામ બધાં જ દ્રવ્યોમાં હોય છે. ગુણ દ્રવ્યોથી ભિન્ન અને અભિન્ન છે. તેથી અભેદની અપેક્ષાએ તે પણ પરિણામી છે. નિર્મળ હોવાને કારણે રૂ૫ શુક્લ કહેવાય છે. નિર્મળ હોવું એ પરિણામ છે. આ પ્રકારની પરિણામ રૂપ ક્રિયા સાથે સંબંધ હોવાથી ગુણ શબ્દ પણ ક્રિયા શબ્દ છે, જ્યાં સુધી નિર્મળ થઈ રહ્યું છે ત્યાં સુધી શુક્લ કહી શકાય છે.
જ્યારે નિર્મળ ભાવ નહીં રહે ત્યારે શુક્લ રૂપનું સ્વરૂપ પણ નહીં રહે. તે કાળે શુક્લ શબ્દનો પ્રયોગ ઉચિત નથી.