________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૯૭
અર્થ :- અથવા ભાવનું સાધન હોવાના કારણે નામ આદિનો ઉપયોગ છે. “જિન” ના નામથી, “જિન” ની સ્થાપનાથી અને જે મુનિ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા છે. તેના દેહને જોવાથી ભાવમાં ઉલ્લાસ થાય છે. તેથી નામ આદિ ભાવના સાધન છે. નામ આદિ ત્રણેય ભાવના ઉલ્લાસમાં એકાંત રૂપે અને આત્યંતિક રૂપે કારણ નથી, કેવળ આ કારણે પ્રવચનના વૃદ્ધ આચાર્ય ભગવંતો ભાવને ઉત્કૃષ્ટ માને છે. આ સમાધાન ભિન્ન વસ્તુઓમાં રહેવાવાળા નામ આદિની અપેક્ષાએ કહ્યું છે.
કહેવાનો આશય એ છે કે, સામાન્ય પુરૂષમાં પણ “જિન” નામનો સંકેત થાય છે. આ નામને સાંભળીને પણ શ્રોતાના મનમાં ભાવ જિનનું સ્મરણ થઈ જાય છે અને અત્યંત ભક્તિ પ્રગટ થઈ જાય છે. તે જ રીતે જેના આકારથી રાગ-દ્વેષ આદિનો અભાવ પ્રગટ થાય છે, એ પ્રકારની જિન પ્રતિમાને જોઈને પણ ભાવનો ઉલ્લાસ અનુભવથી સિદ્ધ છે. જિન-પ્રતિમાને જોઈને ક્યારે મારા રાગ-દ્વેષ આદિ શાંત થશે અને હું એમના જેવો થઈ જઈશ” આ પ્રકારની ઈચ્છા થઈ જાય છે. સમ્યક ચારિત્ર દ્વારા જે મોક્ષને પ્રાપ્ત થયા છે, તે મુનિના પ્રાણહીન શરીરને જોઈને પણ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. આ રીતિથી ભાવની અભિવ્યક્તિના સાધન હોવાથી નામ આદિ ત્રણેય વસ્તુરૂપ છે. નામ આદિ બધાં જ ભાવના સાધન છે. પરંતુ ભાવ જિનેન્દ્રને જોઈને ભક્તિનો જેટલો ઉત્કર્ષ પ્રગટ થાય છે, તેટલો જિનેન્દ્રનું નામ સાંભળવાથી અથવા જિન પ્રતિમાને જોવાથી નથી થતો. તેથી વિશેષ નામ આદિ ભાવના ઉલ્લાસમાં ક્યારેક કારણ બને છે અને ક્યારેક નથી બનતા. ભાવ જિનેન્દ્ર ભક્તિના અત્યંત ઉલ્લાસમાં નિયત કારણ છે. તેથી પ્રાચીન આચાર્ય ભગવંતો નામ આદિની અપેક્ષાએ ભાવનો ઉત્કર્ષ અધિક માને છે. હવે નામાદિ ત્રણનો ભાવ સાથે અવિનાભાવ જણાવતાં કહે છે કે -