________________
૨૬૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સાથે અભેદ બે પ્રકારે કરવામાં આવે છે. પ્રધાનભાવે અને ઉપચારથી. આ પ્રધાનભાવ અને ઉપચારનું સ્વરૂપ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ શાસ્ત્રવાર્તા સમુચ્ચયગ્રંથની વ્યાખ્યા સ્યાદ્વાદકલ્પલતામાં આ રીતે જણાવ્યું છે.
१ - अभेदवृत्तिप्राधान्यम् - द्रव्यार्थिकनयगृहीतसत्ताद्यभिन्नानन्तधर्मात्मकवस्तुशक्तिकस्य सदादिपदस्य कालाद्यभेदविशेषप्रतिसंधानेन पर्यायार्थिकनयपर्यालोचनप्रादुर्भवच्छक्यार्थबाधप्रतिरोध: । अभेदोपचारश्च पर्यायार्थिकनयगृहीतान्यापोहपर्यवसितसत्तादिमात्रशक्तिकस्य तात्पर्यानुपपत्त्या सदादिपदस्योक्तार्थे लक्षणा ।
આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયથી જ્યારે સત્તા આદિ કોઈ એક ધર્મનું જ્ઞાન થાય છે, ત્યારે તેનાથી અભિન્ન અનંતધર્માત્મક વસ્તુમાં સત્ આદિ પદની શક્તિ હોય છે. કાલ આદિ દ્વારા અભેદ માનવાના કારણે સત્ આદિ પદથી અન્ય ધર્મ પણ વાચ્ય પ્રતીત થાય છે. આ દશામાં પર્યાયાર્થિક નયના વિચારથી અન્ય ધર્મોની પ્રતીતિરૂપ શક્ય અર્થમાં જે અડચણ આવે છે તેને દૂર કરવી તે અભેદ વૃત્તિની પ્રધાનતા છે. પર્યાયાર્થિક નય દ્વારા સત્ આદિ પદની શક્તિ કેવળ સત્તા આદિમાં પ્રતીત થાય છે અને તેનું પર્યવસાન અન્યાપોહમાં થાય છે. આ દશામાં ‘‘સત્’’ પદ જે અસત્ નથી, તેનું જ્ઞાન કરાવે છે. કેવળ સત્ત્વ આદિ ધર્મમાં પ્રતિપાદનની શક્તિ છે. આ રીતે પ્રતીત થવાથી સત્ આદિ પદની સત્તાથી ભિન્ન અન્ય ધર્મોમાં લક્ષણા કરવામાં આવે છે.
આ વિવેચન પ્રમાણે અનન્ત ધર્મરૂપ શક્ય અર્થોના જ્ઞાનમાં અડચણને દૂર કરવી એ અભેદ વૃત્તિની પ્રધાનતા છે. તાત્પર્ય-ઉપપન્ન થતો નથી, આ કારણે અન્ય અનંત ધર્મોમાં સત્ આદિ પદની લક્ષણા ઉપચાર છે. અભેદની પ્રધાનતામાં શક્ય રૂપમાં સત્ આદિ પદ અનંત ધર્મોને પ્રતિપાદિત કરે છે. ઉપચારની દશામાં એ જ અનંત ધર્મોમાં સત્ આદિ પદ લક્ષણા દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરે છે.
જ્યારે વસ્તુનો ધર્મ નય દ્વારા પ્રકાશિત થાય છે, ત્યારે ભેદ પ્રધાન હોવાથી અથવા ભેદનો ઉપચાર હોવાથી ક્રમશઃ નિરૂપણ થાય છે.