________________
૧૯૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
स्वसमानसमयसिद्धैरेव तुल्याः ।। (जैनतर्कभाषा )
અર્થ : વિશેષને ગ્રહણ કરવાવાળા અર્પિત નય કહેવાય છે અને સામાન્યને ગ્રહણ કરવાવાળા નય અનર્પિત નય કહેવાય છે. અનર્પિત નય ના મતે બધા જ સિદ્ધ ભગવાનોનું એક સમાન રૂપ છે. અર્પિત નય ના મતે તો એક સમય સિદ્ધ, દ્વિસમય સિદ્ધ અને ત્રિસમય સિદ્ધ પોતાને સમાન સમયના સિદ્ધોના જ તુલ્ય છે.
કહેવાનો આશય એ છે કે, અનર્પિત નય કેવળ સાધારણ ધર્મને ગ્રહણ કરે છે. તેથી તેના મતે બધા જ સિદ્ધોનું સામાન્ય રૂપ છે. સિદ્ધોમાં પરસ્પર ભેદ હોવાં છતાં પણ સિદ્ધત્વ સાધારણ ધર્મ છે, તેના લીધે સમસ્ત સિદ્ધ સમાન છે. વિશેષના પ્રકાશક અર્પિત નય પ્રમાણે જેટલા એક સમયે સિદ્ધ છે તેઓ બધા પરસ્પર સમાન છે. તેમાં એકસમયસિદ્ધત્વ સામાન્ય ધર્મ છે. આ સામાન્ય ધર્મ દ્વિસમય સિદ્ધ અથવા ત્રિસમય સિદ્ધ વગેરે સિદ્ધોમાં નથી તેથી વિશેષ છે. તેના લીધે એક સમય સિદ્ધોની જ પરસ્પર સમાનતા છે. આ જ રીતે દ્વિસમય સિદ્ધોની દ્વિસમયસિદ્ધત્વરૂપ સામાન્ય ધર્મના લીધે પરસ્પર સમાનતા છે અને ત્રિસમય સિદ્ધ આદિ સાથે સમાનતા નથી. અન્ય સિદ્ધોમાં પણ આ જ પ્રકારની સમાનતા સમજી લેવી જોઈએ.
વ્યવહારનય - નિશ્ચયનય :
હવે નયના વ્યવહાર અને નિશ્ચય એવા બે પ્રકાર જણાવે છે. तथा लोकप्रसिद्धार्थानुवादपरो व्यवहारनयः, यथा पञ्चस्वपि वर्णेषु भ्रमरे सत्सु श्यामो भ्रमर इति व्यपदेश: । तात्त्विकार्थाभ्युपगमपरस्तु निश्चयः, स पुनर्मन्यते पञ्चवर्णो भ्रमरः, बादरस्कन्धत्वेन तच्छरीरस्य पञ्चवर्णपुद्गलैर्निष्पन्नत्वात् शुक्लादीनां च न्यग्भूतत्वेनानुपलक्षणात्। (जैनतर्कभाषा)