________________
૯૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ज्ञानाद्यद्वैतवादिनां च मतनिरासाय स्वपरेति स्वरुपविशेषणार्थमुक्तम्।
અર્થ :- બુદ્ધિ પરોક્ષ છે. આ મતને માનવાવાળા મીમાંસક વગેરેના અને બાહ્ય પદાર્થોનો નિષેધ કરવાવાળા જ્ઞાન આદિના અદ્વૈતવાદિઓનાં મતનો નિષેધ કરવા માટે “સ્વ-પર’ આ વિશેષણ છે. અહિંયાં આ વિશેષણ સ્વરૂપવિશેષણના રૂપમાં કહેવાયું છે.
સ્વ-પર’ આ વિશેષણ સ્વરૂપવિશેષણ છે. વિશેષણ બે પ્રકારના હોય છે. સ્વરૂપવિશેષણ અને વ્યાવર્તક વિશેષણ. વસ્તુના સ્વરૂપને પ્રગટ કરવા માટે વસ્તુના ધર્મોનું વર્ણન કરવામાં આવે છે. વસ્તુના ધર્મ બે પ્રકારનાં હોય છે. સામાન્ય અને વિશેષ. સામાન્યધર્મ સજાતીય અને વિજાતીય વસ્તુઓમાં પણ હોય છે. કોઈ વસ્તુમાં સામાન્ય ધર્મ છે તો એના જ્ઞાનથી વસ્તુમાં એની સત્તાનું જ્ઞાન થાય છે. એના સિવાય કોઈ ફલ એના જ્ઞાનથી હોતું નથી. સૂર્યના કિરણ સફેદ છે. કિરણ વિશેષ્ય છે અને શુક્લ વિશેષણ છે. કિરણનો રંગ સફેદ છે. આટલું આ વિશેષણથી પ્રતીત થાય છે. એથી આ સ્વરૂપનું બોધક વિશેષણ છે.
જ્યારે કપડાને શુક્લ કહીએ છીએ ત્યારે પટમાં (કપડામાં) માત્ર શુક્લવર્ણની સત્તાનું જ જ્ઞાન નથી થતું. શુક્લપટ નીલ-રક્ત આદિ પટોથી ભિન્ન પણ પ્રતીત થાય છે. બીજાઓથી ભેદને પ્રકાશિત કરનાર હોવાથી શુક્લ વિશેષણ વ્યાવર્તક વિશેષણ છે.
પ્રસ્તુત પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર' આ વિશેષણ સ્વરૂપનું બોધક વિશેષણ છે. આ લક્ષણનું વ્યવસાયિ' પદ અપ્રમાણ જ્ઞાનોથી પ્રમાણભૂત જ્ઞાનને ભિન્ન કરે છે. “સ્વ-પર' પદથી તો “સ્વ” રૂપ અને “પર” રૂપનું પ્રકાશક પ્રતીત થાય છે. સંદેહ આદિ અપ્રમાણજ્ઞાન પણ સ્વરૂપ અને પરરૂપના પ્રકાશક હોય છે.