________________
૮૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ પણ વિદ્યમાન છે. જે દંડના કારણે દંડીના સ્વરૂપમાં પ્રતીતિ થાય છે તે દંડ પ્રત્યક્ષ છે. પરંતુ જે જ્ઞાનના સંબંધને કારણે અર્થ જ્ઞાતરૂપમાં પ્રતીત થાય છે તે જ્ઞાન પરોક્ષ છે. દંડના સંબંધથી દંડીરૂપમાં પ્રતીતિને ઉત્પન્ન થતી જોઈને અર્થની જ્ઞાતરૂપમાં પ્રતીતિ જ્ઞાનના સંબંધથી થઈ છે. આવા પ્રકારનું અનુમાન થાય છે.
એક બીજું દૃષ્ટાંત જ્ઞાન અને અર્થના સંબંધને અધિક સમાનતાની સાથે પ્રકાશિત કરે છે. અર્થ જ્યારે દેખાય છે ત્યારે પ્રકાશથી પ્રકાશિતરૂપમાં પ્રતીત થાય છે. જ્યારે પ્રકાશની સાથે અર્થનો સંબંધ નથી થતો ત્યારે અર્થ અપ્રકાશિત રહે છે. અર્થ અપ્રકાશિત દશાને છોડીને જ્યારે પ્રકાશિત દશામાં આવે છે ત્યારે અર્થ અને પ્રકાશનો સંબંધ સ્પષ્ટ પ્રતીત થાય છે. વૃક્ષ જ્યાં સુધી અંધારામાં રહે છે ત્યાં સુધી અપ્રકાશિત રહે છે. પ્રકાશિત ન હોવાં છતાં પણ તે વિદ્યમાન છે. અર્થનું પણ જ્યારે જ્ઞાન નથી હોતું ત્યારે તે અજ્ઞાત દશામાં રહે છે. જ્યારે એનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાતરૂપમાં પ્રતીત થાય છે. વૃક્ષની પ્રકાશિતદશા જે રીતે પ્રકાશવિના નથી થઈ શકતી એ રીતે અર્થની જ્ઞાતતા જ્ઞાન વિના નથી થઈ શકતી. આ રીતિએ જ્ઞાતતા દ્વારા જ્ઞાનનું અનુમાન થાય છે.
શ્રી કુમારિલ ભટ્ટના અનુગામી મીમાંસકોના આ મતનો નિષેધ ‘સ્વ અને પર' પદથી થઈ જાય છે. જૈનમતના અનુસારે જ્ઞાન પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે. જ્ઞાન કેવલ અર્થને પ્રકાશિત નથી કરતું પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. પ્રકાશ અને વૃક્ષનો સંબંધ જે રીતે પ્રત્યક્ષ છે એ રીતે અર્થ અને જ્ઞાનનો સંબંધ પણ પ્રત્યક્ષ છે. વૃક્ષની સાથે જે રીતે પ્રકાશ પણ દેખાઈ જાય છે તે રીતે અર્થની સાથે જ્ઞાન પણ પ્રતીત થાય છે. પ્રકાશ અને જ્ઞાન બંને પ્રકાશક છે. સૂર્ય, ચંદ્ર અને દીપક આદિનો પ્રકાશ જ્યારે વૃક્ષ આદિને પ્રકાશિત કરે છે ત્યારે સ્વયં પણ દેખાઈ જાય છે. જે રીતે