________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ''
૫ ૫
કહેવાનો આશય એ છે કે, જેઓ ચારિત્રનું પાલન કરે છે, પરંતુ સ્વસમય અને પરસમયમાં વર્ણવેલા પદાર્થોને જાણીને વસ્તુના પારમાર્થિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરતા નથી, તેમનું ચારિત્રનું પાલન નિશ્ચયશુદ્ધધર્મનું કારણ બનતું નથી. કારણ કે, સ્યાદ્વાદની રૂચિ પ્રગટ્યા વિના નિશ્ચયથી શુદ્ધ સમ્યગદર્શનને પામી શકાતું નથી અને શુદ્ધસમ્યગદર્શન વિના નિશ્ચયશુદ્ધધર્મ પામી શકાતો નથી.
જગતમાં અનેક મત-મતાંતરો પ્રવર્તે છે. ભિન્ન-ભિન્ન દર્શનો ભિન્ન-ભિન્ન સ્વરૂપે જગતના પદાર્થો અને સાધના માર્ગને સમજાવે છે. તેવા સમયે પદાર્થના યથાવસ્થિત સ્વરૂપને અને સાધનામાર્ગની તાત્વિક રૂપરેખાને જાણવી અત્યંત આવશ્યક છે. તે માટે સ્યાદ્વાદશૈલીથી અભ્યાસ કરવો અતિ જરૂરી છે. સ્યાદ્વાદશૈલીથી સ્વ-પર સમયને સમજવામાં આવે તો પદાર્થ વિષયક સર્વે ભ્રાન્તિઓનું ઉન્મેલન થાય છે અને પદાર્થનો સ્પષ્ટ અને સર્વાગીણ બોધ થાય છે. આથી સ્યાદ્વાદનો અભ્યાસ કરવો અતિ જરૂરી છે.
સ્યાદ્વાદ સિદ્ધાંત દરિયો છે. તેનું અવગાહન કરવા ખૂબ પરિશ્રમની જરૂર છે. અહીં પ્રાથમિક અભ્યાસુઓને સ્યાદ્વાદ સિદ્ધાંતનો આંશિક પરિચય પ્રાપ્ત થાય તે માટે વિભિન્ન ગ્રંથોમાં વર્ણવાયેલા સ્યાદ્વાદ વિષયને અહીં મારા ક્ષયોપશમ મુજબ પ્રસ્તુત કર્યો છે.
પ્રમાણ, નય અને સપ્તભંગી, સ્યાદ્વાદ સિદ્ધાંતના સ્તંભ છે. તેથી હવે પછીના પ્રકરણોમાં ક્રમશઃ પ્રમાણાદિનું નિરૂપણ કરીશું.