________________
૨૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮ પ્રકાશતપૂર્વક, ઉપસ્થિત એવા શ્રોતાએ=ધર્મગ્રહણ કરવા તત્પર એવા શ્રોતાને આગળમાં કહેવાશે એ પ્રકારની વિધિથી અણુવ્રતાદિનું દાન કરવું જોઈએ. સૂત્રમાં તત્કથનપૂર્વક એ ક્રિયાવિશેષણ છે.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮/૧૪૧ ભાવાર્થ :
ઉપદેશક યોગ્ય શ્રોતાને પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવે, કર્મકૃત વિડંબના સંસારમાં જીવને કઈ રીતે થાય છે અને સંસારથી મુક્ત થયેલા જીવો સદા સુખી છે તેવો નિર્મળ બોધ યોગ્ય શ્રોતાને કરાવે અને તે સાંભળીને જે શ્રોતાને નિર્મળ મતિ પ્રગટેલી છે, તેથી સંસારના ઉચ્છેદના ઉપાયરૂપે ધર્મગ્રહણ કરવા તત્પર થયેલો હોય ત્યારે ઉપદેશક તે શ્રોતાને ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ તે રીતે બતાવે કે જેથી શ્રોતાને બોધ થાય કે “સંસારના ઉચ્છેદનો પ્રબળ ઉપાય જિનવચન અનુસાર સેવાયેલ દસ પ્રકારનો યતિધર્મ છે.” અને તે સાંભળીને તે શ્રોતાને સર્વવિરતિ ધર્મ અત્યંત આદરવા યોગ્ય જણાય છતાં હજી ભોગની ઇચ્છા સંપૂર્ણ શાંત થઈ નથી, તેથી સર્વ ઉદ્યમથી પૂર્ણ ધર્મ સેવવા માટે તે શ્રોતા અસમર્થ જણાય તો ઉપદેશકે તેવા શ્રોતાને અણુવ્રતાદિરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ વિસ્તારથી સમજાવવો જોઈએ અને તે શ્રોતાને સ્થિર નિર્ણય થાય કે આ શ્રાવક ધર્મના પાલનથી હું સર્વવિરતિ ધર્મની શક્તિનો સંચય કરી શકીશ માટે મારે શક્તિ અનુસાર અણુવ્રતાદિ ગ્રહણ કરવાં જોઈએ. અને તે શ્રોતા સ્વભૂમિકા અનુસાર અણુવ્રતાદિ ગ્રહણ કરવા માટે તત્પર થાય ત્યારે આગળમાં કહેવાશે એ પ્રકારની વિધિપૂર્વક ગુરુએ શ્રોતાને અણુવ્રતાદિ વ્રતો આપવાં જોઈએ.
અહીં વિશેષ એ છે કે ઉપદેશકના વચનથી કેટલાક યોગ્ય જીવો સમ્યગ્દર્શન પામે છે, આમ છતાં વ્રતો ગ્રહણ કરવા માટે અને વ્રતોનું પાલન કરવા માટે અસમર્થ હોય છે. તેવા શ્રોતા સર્વવિરતિની શક્તિના સંચય માટે નવું નવું શાસ્ત્રનું અધ્યયન, સુસાધુની ભક્તિ અને તીર્થકરોની ભક્તિરૂપ દ્રવ્યસ્તવનું સેવન કરે છે, જેનાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે.
વળી, કેટલાક શ્રોતા સમ્યક્તને પામ્યા પછી સંસારના ઉચ્છેદનો પ્રબળ ઉપાય સર્વજ્ઞના વચનને પરતંત્ર થઈને સર્વવિરતિનું સેવન છે તેવો નિર્ણય થવા છતાં, સર્વવિરતિની શક્તિના સંચય અર્થે દેશથી શ્રાવકનાં વ્રતોને ગ્રહણ કરીને અને ક્રમસર તે વ્રતોને અતિશયિત કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. અને કેટલાક યોગ્ય શ્રોતાઓને સમ્યક્ત પામ્યા પછી યોગ્ય ઉપદેશક સર્વવિરતિના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવે ત્યારે તે જીવોનું સર્વવિરતિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. તેવા મહાસાત્ત્વિક પુરુષો સર્વવિરતિને ગ્રહણ કરીને અત્યંત અપ્રમાદપૂર્વક સર્વવિરતિના પાલન દ્વારા ક્રમસર અસંગભાવની શક્તિનો સંચય કરે છે. આમ છતાં રાધાવેધને સાધવા જેવું અતિદુષ્કર સર્વવિરતિનું પાલન હોવાથી કલ્યાણના અર્થી જીવો પણ બહુલતાએ દેશવિરતિના પાલનથી જ પારમાર્થિક સર્વવિરતિના પાલનની શક્તિનો સંચય કરે છે, તેથી સ ત્ત્વની પ્રાપ્તિ પછી ઉપદેશકે યોગ્ય જીવને અણુવ્રતાદિ કઈ રીતે આપવાં જોઈએ ? તેનું કથન પ્રસ્તુત સૂત્રમાં કરેલ છે. II૮/૧૪૧II