________________
પ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૧ ભાવાર્થ:
યોગ્ય ઉપદેશક શ્રોતાની સર્વવિરતિની શક્તિ નથી એવું જાણ્યા પછી તે શ્રોતાને અણુવ્રતાદિ ધર્મનું કથન ન કરે અને સંયમની અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર રહે તો તે શ્રોતાને સર્વવિરતિરૂપ અને દેશવિરતિરૂપ ઉભય ધર્મની અપ્રાપ્તિ થાય; કેમ કે સર્વવિરતિ ધર્મને સાંભળીને સર્વવિરતિનું પોતાનું અસામર્થ્ય છે તેવું જાણ્યા પછી ઉપદેશક ગુરુ અન્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર રહેવાથી તેને દેશવિરતિ ધર્મ ન કહે તો તે યોગ્ય શ્રોતા દેશવિરતિ ધર્મની પણ પ્રાપ્તિ કરી શકે નહિ અને ગુરુ પણ પરના કલ્યાણ પ્રત્યે ઉપેક્ષાવાળા થઈને અન્ય પ્રવૃત્તિમાં યત્ન કરે તો ભગવાનની આજ્ઞાના ભંગનો દોષ ગુરુને પ્રાપ્ત થાય; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે જે મહાત્મા શાસ્ત્ર ભણીને સંપન્ન થયા છે અને શાસ્ત્રથી આત્માને ભાવિત કરીને સદા સમભાવની વૃદ્ધિ કરી શકે છે એવા મહાત્માને શ્રોતા પાસેથી કોઈ અપેક્ષા નથી, આમ છતાં પોતાને થતા શ્રમની ઉપેક્ષા કરીને શ્રોતાને અધિક અધિક ગુણની નિષ્પત્તિ થાય તેવો શ્રેયને કરનારો સદા ઉપદેશ આપવો જોઈએ અને જે ઉપદેશક યોગ્ય શ્રોતાને સર્વવિરતિનો ઉપદેશ આપવાથી ગ્રાન્ત થયેલા હોય, તેથી દેશવિરતિના ઉપદેશની ઉપેક્ષા કરીને અન્ય સંયમની ઉચિત ક્રિયામાં યત્ન કરે તો તેવા ગુરુને યોગ્ય જીવને દેશવિરતિ આપીને સર્વવિરતિને અનુકૂળ વીર્યવાળો કરવો જોઈએ એ પ્રકારના તેના હિતની ઉપેક્ષા કરવા સ્વરૂપ આજ્ઞાભંગ રૂપ ફલની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે ગુણસંપન્ન ગુરુ સદા સમભાવને ધારણ કરનારા હોય છે અને સમભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરનારા હોય છે અને સુસાધુઓને સમભાવનો પરિણામ જેમ સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ પ્રત્યે હોય છે તેમ સર્વ જીવો પ્રત્યે પણ આત્મતુલ્ય બુદ્ધિ રૂપે હોય છે, તેથી શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયેલા સાધુ જિનવચનના અવલંબનથી સર્વ ઉચિત ક્રિયાઓ કરીને સમભાવની વૃદ્ધિ કરે છે તેમ પોતાની નિશ્રામાં રહેલા યોગ્ય શિષ્યને સારણા-વારણાદિ દ્વારા કે નવું નવું શાસ્ત્ર અધ્યયન કરાવવા દ્વારા સમભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે.
વળી, શ્રાવકમાં પણ જે જીવની જે પ્રકારની યોગ્યતા છે તે પ્રકારે તેઓના કલ્યાણ અર્થે અત્યંત ઉપયુક્ત થઈને યત્ન કરે છે અને તેમ કરવાથી જ તે ગીતાર્થ સાધુને સર્વ જીવો પ્રત્યેનો સમભાવ વર્તે છે. આમ છતાં અનાભોગથી પણ ક્યારેક સભ્યત્વને પામેલા અને સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ એવા શ્રોતાને અણુવ્રતાદિ ન કહે તો તે શ્રોતાના હિતની ઉપેક્ષા થવાથી તે મહાત્માના સમભાવમાં ગ્લાનિની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની આજ્ઞા સમભાવની વૃદ્ધિ અર્થે શક્તિ અનુસાર અન્યના હિતના અર્થે ઉપદેશની પ્રવૃત્તિ કરવાનું કહે છે તે આજ્ઞાના ભંગની પ્રાપ્તિ તે ગુરુને પ્રાપ્ત થાય છે. ગુરુથી થયેલ તે આજ્ઞાભંગ દ્વારા શ્રોતાને જે વિશેષધર્મની પ્રાપ્તિ થવાની હતી તે વિશેષ ધર્મની અપ્રાપ્તિ થવાથી તેટલા અંશમાં ભગવાનના શાસનના વિનાશની પ્રાપ્તિ થઈ અને ભગવાનના શાસનનો જે વિનાશ થયો તે અત્યંત દુરંત ફલવાળો છે, તેથી ગુરુને તેના કારણે મહાઅનર્થની પ્રાપ્તિ થઈ શકે છે. II૧૧/૧૪૪