________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૧૦ ભાવાર્થ :
જે ઉપદેશક ઉપદેશની મર્યાદાને યથાર્થ જાણનારા છે તેવા ઉપદેશક ગુરુ યોગ્ય શ્રોતાને પૂર્વના અધ્યાયોમાં વર્ણન કર્યું એ પ્રકારે ઉપદેશ આપીને યોગ્ય શ્રોતાને સમ્યક્તની પ્રાપ્તિ કરાવે છે. અને સમ્યક્તને પામેલો શ્રોતા છે તેવો નિર્ણય થયા પછી તે મહાત્મા વિશેષ ધર્મ કરવા માટે ઉસ્થિત થયેલા તે શ્રોતાને સર્વવિરતિના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવ્યા પછી જો તે શ્રોતા સર્વવિરતિના યથાર્થ સ્વરૂપને જાણીને સર્વવિરતિના પાલનની શક્તિવાળો થયો નથી તેવું જણાય ત્યારે તે શ્રોતાને તે ઉપદેશક મહાત્મા દેશવિરતિનું કથન કરે અને દેશવિરતિના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવીને દેશવિરતિનું પ્રદાન કરે. આમ છતાં શાસ્ત્રના પરમાર્થને જાણનારા ઉપદેશક ક્યારેક અનાભોગથી સમ્યક્તને પામેલા શ્રોતાને સર્વવિરતિનો બોધ કરાવ્યા વગર દેશવિરતિનું પ્રદાન કરે તો પૂર્વસૂત્રમાં બતાવ્યું તેમ તે ગુરુને અંતરાયકર્મના બંધના કારણે ભવાંતરમાં ચારિત્રની દુર્લભતા પ્રાપ્ત થાય છે.
વળી, જે યોગ્ય શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરીને અસંગભાવની શક્તિ સંચિત કરવા માટે સમર્થ છે તેવા શ્રોતાને વિચાર્યા વગર દેશવિરતિનું કથન કરીને જો તે ગુરુ દેશવિરતિનું પ્રદાન કરે તો તે શ્રોતાએ જે દેશવિરતિ ગ્રહણ કરી છે તેમાં જે અન્ય સાવદ્ય અંશ છે તે સાવદ્ય અંશની અનુમતિનો પ્રસંગ ગુરુને પ્રાપ્ત થાય. જેથી જે ગુરુએ સર્વસાવદ્યનો ત્યાગ કર્યો છે અને તેના કારણે સાવદ્યના સર્વથા કરણ-કરાવણઅનુમોદનનું પાલન કરે છે તેવા પણ ગુરુને તે શ્રાવકના સાવદ્ય અંશમાં અનુમતિના દોષની પ્રાપ્તિ થાય, માટે તે ગુરુનું ચારિત્ર કંઈક અંશથી મલિન બને છે.
અહીં વિશેષ એ છે કે અત્યંત ઉપયોગપૂર્વક સ્વ-પરના કલ્યાણનું એકાંત કારણ બને તે રીતે અપ્રમાદભાવથી સર્વ ઉચિત ક્રિયા કરવાથી સર્વવિરતિનું પાલન થાય છે, તેથી ગીતાર્થ ગુરુ જેમ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ જિનવચનના સ્મરણ અનુસાર કરે છે તેમ યોગ્ય શ્રોતાને ઉપદેશની ક્રિયા પણ જિનવચન અનુસાર કરે છે, તેથી તે ઉપદેશની ક્રિયા શ્રોતાના કલ્યાણનું કારણ બને છે. તેમ ઉપદેશકના પોતાના પણ ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે. આથી જે ઉપદેશક શ્રોતાની યોગ્યતા અનુસાર પૂર્વમાં વર્ણન કર્યું એવો ઉપદેશ આપીને શ્રોતાને સમ્યગ્દષ્ટિ બનાવે છે ત્યાં સુધીની તે ઉપદેશકની પ્રવૃત્તિ જિનવચનથી નિયંત્રિત હોવાથી સ્વ-પરના કલ્યાણનું કારણ હતી અને સમ્યક્તને પામેલ યોગ્ય શ્રોતાને દેશવિરતિના પ્રદાન પૂર્વે સર્વવિરતિનો ઉપદેશ આપ્યા વગર તે મહાત્મા પ્રયત્ન કરે ત્યારે જિનવચનના નિયંત્રણમાં સ્મલના થયેલી હોવાથી તે ગુરુના ચારિત્રમાં માલિન્ય પ્રાપ્ત થાય છે, તેથી જ શ્રોતાને સર્વવિરતિની પ્રાપ્તિમાં તે દેશવિરતિના પ્રદાનની ક્રિયા અંતરાયરૂપ બને છે અને “નિષિદ્ધ અનુમત” એ ન્યાયથી ગુરુને સાવઘની અનુમતિની પ્રાપ્તિ થાય છે. માટે જિનવચન વિષયક ઉપદેશની ક્રિયામાં થયેલો અનાભોગ ગુરુના ચારિત્રમાં માલિન્ય પ્રાપ્ત કરાવે છે. I૧૦/૧૪૩