________________
૨૧૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨ એવી આત્માની આરોગ્યની અવસ્થાની પ્રાપ્તિનો અર્થી છે, તેથી દીક્ષાર્થીના ઉત્તરથી એ નક્કી થાય કે દીક્ષા માટે કરાયેલા પ્રશ્નની અપેક્ષાએ તે જીવ દીક્ષા યોગ્ય છે.
(૨) આચારનું કથન :
ત્યારપછી ગુરુ તેને કહે કે કાયરપુરુષો માટે પ્રવ્રજ્યાનું પાલન દુષ્કર છે; કેમ કે અનાદિથી જીવે ઇન્દ્રિયોને અને દેહને અનુકૂળ પ્રવૃત્તિઓ કરીને તેના લાલનપાલનમાં જ અભ્યાસ કર્યો છે, દેહ અને ઇન્દ્રિયો પ્રત્યે નિરપેક્ષ થઈને આત્મગુણોને પ્રગટ કરવા માટે કોઈ ઉદ્યમ કર્યો નથી. છતાં જે સાત્ત્વિક પુરુષો છે તે જે સંકલ્પ કરે છે તે પ્રમાણે અપ્રમાદથી યત્ન કરીને દુષ્કર એવી પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને જિનવચન અનુસાર ઉદ્યમ કરીને પ્રકૃષ્ટથી શુભયોગમાં જવા માટે પ્રવ્રજ્યામાં ઉદ્યમ કરે છે. માટે જેઓનું સંસારના આરંભથી નિવૃત્ત થયેલું ચિત્ત છે તેઓ પ્રવ્રજ્યાનું સમ્યક્ પાલન કરીને આ ભવમાં અને પરભવમાં પરમ કલ્યાણને પ્રાપ્ત કરે છે. અર્થાત્ આ ભવમાં પ્રવ્રજ્યાના પાલન દ્વારા રાગાદિની આકુળતાને અલ્પ અલ્પતર કરીને આત્માની સ્વસ્થતાની પ્રાપ્તિરૂપ કલ્યાણને પ્રાપ્ત કરે છે અને પ્રવ્રજ્યાકાળમાં વર્તતા શુભયોગ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાને પ્રાપ્ત કરીને પરભવમાં કલ્યાણની પ્રાપ્તિ કરે છે.
વળી, દીક્ષા ગ્રહણ કર્યા પછી જેઓ જિનવચન અનુસાર અપ્રમાદથી યત્ન કરીને જિનાજ્ઞાનું આરાધન કરે છે તેઓની તે આરાધના ક્રમે કરીને મોક્ષફલવાળી થાય છે અને ઉત્સાહમાં આવીને સંયમ ગ્રહણ કર્યા પછી અનાદિના પ્રમાદને વશ થઈને જિનાજ્ઞાની વિરાધના કરે છે અને પ્રવ્રજ્યાની ક્રિયાઓ દ્વારા ચિત્તને નિર્લેપ નિર્લેપતર કરવા યત્ન કરતા નથી તેઓ તે વિરાધનાના ફળરૂપે દુ:ખદાયી એવા કદર્થનારૂપ સંસારના ફળને પ્રાપ્ત કરે છે.
આ કથનને યુક્તિથી બતાવતાં ગુરુ કહે છે
જેમ કુષ્ઠાદિ રોગી સુવૈદ્યની ક્રિયાને સ્વીકાર્યા પછી અપથ્યનું સેવન કરે તો ઔષધ નહિ કરનાર રોગી કરતાં પણ અધિક અને શીઘ્ર તે રોગી વિનાશને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે સંયમને ગ્રહણ કર્યા પછી કર્મવ્યાધિના ક્ષયના નિમિત્તને સેવવાનું છોડીને જેઓ અપથ્યરૂપ અસંયમનું સેવન કરે છે, તે જીવો ઘણાં કર્મો બાંધીને દુર્ગતિઓમાં ફરે છે.
—
આ પ્રકારે સાધ્વાચારનું કથન સાંભળીને જો તે શ્રોતા અલ્પસત્ત્વવાળો હોય તો દીક્ષા લેવાને અભિમુખ પરિણામવાળો હોવા છતાં કહે કે “મારામાં એવું સત્ત્વ નથી, પરંતુ હું યત્ન કરીશ તો તેવા શ્રોતાને ઉપદેશક દેશવિરતિમાં યત્ન કરવાનું કહી અને શક્તિસંચય માટે ઉપદેશ આપે. જે શ્રોતા ગુરુ દ્વારા બતાવાયેલા અતિ દુષ્કર પણ સાત્ત્વિક પુરુષ સેવી શકે તેવા સર્વવિરતિના સુંદર આચારો સાંભળીને સંસા૨ના ઉચ્છેદ માટે કૃતનિશ્ચયવાળો છે તે શ્રોતા કહે કે, “હું સર્વપ્રમાદનો ત્યાગ કરીને જિનાજ્ઞા અનુસાર અવશ્ય ઉદ્યમ કરીશ, જેથી મારો કર્મવ્યાધિ નાશ પામે.” તેવા સત્ત્વશાળી શ્રોતાને આચારનાં કથનથી ગુરુ યોગ્ય જાણે.