________________
૪૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ ત્રસના પાલનનો જે અધ્યવસાય છે તેનાથી અન્ય જીવોના રક્ષણનો પરિણામ અણુવ્રત પરિણામમાં પ્રાપ્ત થતો નથી. અને દિશાનું પરિમાણ કરવાથી તે મર્યાદાથી અધિક ક્ષેત્રમાં આરંભ-સમારંભના પરિણામથી નિવર્તનનો અધ્યવસાય થાય છે. તેથી વિવેકી શ્રાવક દિવ્રત ગ્રહણ કરીને આરંભની વૃત્તિમાં જ સંકોચ કરે છે. (૨) ભોગપભોગનું પરિમાણ :
સર્વવિરતિવાળા સાધુ કેવળ સંયમની વૃદ્ધિના અર્થે આહાર-વસ્ત્રાદિનો ઉપયોગ કરે છે પરંતુ ભોગના પરિણામથી સાધુ આહાર વાપરતા નથી અને વસ્ત્રાદિનો ઉપભોગ કરતા નથી. માટે સાધુને સદા અભોગનો જ પરિણામ છે અને તેવો જ પરિણામ શ્રાવકને અત્યંત પ્રિય છે છતાં અનાદિના સંસ્કારોને કારણે ભોગઉપભોગનો પરિણામ પણ સર્વથા નિવર્તન પામતો નથી, તેથી પાંચ અણુવ્રતને સ્વીકાર્યા પછી હિંસાના પરિણામના કારણભૂત ભોગઉપભોગના પરિણામમાં સંકોચ કરવા અર્થે શ્રાવક ભોગઉપભોગની સામગ્રીમાં પરિમાણની મર્યાદા કરે છે જેથી ભોગઉપભોગનો પરિણામ અલ્પઅલ્પતર થાય અને અંતે સર્વથા અભોગનો પરિણામ પ્રગટે જે સર્વવિરતિના પરિણામરૂપ છે. (૩) અનર્થદંડ વિરતિ :
શ્રાવકને જીવવધનો સાવદ્ય પરિણામ છે, ભોગપભોગનો સાવદ્ય પરિણામ છે અને સાધુને જીવવધનો પરિણામ સર્વથા નથી; કેમ કે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો સંવર છે. અને સંયમવૃદ્ધિના પ્રયોજનથી કોઈ ક્રિયા કરે છે ત્યારે પકાયના પાલન માટે અત્યંત યતનાપૂર્વક ગમનાગમનની પ્રવૃત્તિ કરે છે. શ્રાવક પણ સાધુની જેમ સર્વથા સાવઘના પરિહારની ઇચ્છાવાળા છે, આમ છતાં ભોગઉપભોગની લાલસા સર્વથા ગઈ નથી, તેથી ભોગઉપભોગ અર્થે સાવદ્ય પ્રવૃત્તિ કરે છે જે અર્થદંડરૂપ છે; કેમ કે ભોગપભોગરૂપ ફલ અર્થે તે સાવદ્ય પ્રવૃત્તિ કરે છે; છતાં તેની નિવૃત્તિ અર્થે અભ્યાસરૂપે ભોગપભોગનો સંકોચ કરે છે અને અર્થદંડથી વિપરીત એવા અનર્થદંડની નિવૃત્તિ શ્રાવક કરે છે, જે અનર્થદંડની નિવૃત્તિ ચાર પ્રકારની છે.
(૧) અપધ્યાનથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ (૨) પ્રમાદથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ (૩) હિંસાના સાધનોના પ્રદાનથી અને (૪) પાપકર્મના ઉપદેશથી. (૧) અપધ્યાનથી આચરણ કરાયેલી પ્રવૃત્તિ :
શ્રાવકને ભોગઉપભોગની લાલસા છે છતાં શ્રાવક તેનો સંકોચ કરે છે પરંતુ તે લાલસાની વૃદ્ધિ થાય એવા અપધ્યાનનું આચરણ શ્રાવક કરે નહિ. અને જો ભોગ-ઉપભોગના પરિણામની વૃદ્ધિ થાય એવા વિપરીત ચિંતવનરૂપ અપધ્યાન કરે તો અનર્થદંડની પ્રાપ્તિ થાય. તે અનર્થદંડની પ્રાપ્તિના વિરમણરૂપ વ્રત ગ્રહણ કરવાથી અપધ્યાનનો પરિણામ અટકે છે જેથી ગ્રહણ કરાયેલાં અણુવ્રતોને ગુણકારી અનર્થદંડની વિરતિ બને છે.