________________
૩૮
આગમ કથાનુયોગ-૪
સાધુને વંદન કર્યું. તે શ્રાવકને વંદન ન કર્યું. ત્યારે આચાર્યે જાયું કે આ નવ શ્રાવક છે.
ત્યારપછી પૂછયું, તે ધર્મ ક્યાંથી શીખ્યો ? રક્ષિતે કહ્યું, આ શ્રાવક પાસેથી. સાધુઓએ પણ કહ્યું કે, આ કસોમા શ્રાવિકાનો પુત્ર છે, કાલે જ હતિ પર આરૂઢ થઈને નગરપ્રવેશ કરેલ છે. આચાર્ય ભગવંતે પૂછ્યું, કઈ રીતે? ત્યારે તેણે બધી જ વાત કરીને કહ્યું કે, હું દષ્ટિવાદ ભણવાને તમારી પાસે આવેલ છું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, જો તું અમારી દીક્ષા ગ્રહણ કરે તો તને દૃષ્ટિવાદ ભણાવી શકાય. ત્યારે રક્ષિતે કહ્યું, તો આપ મને પ્રવજ્યા આપી ભણાવો.
ત્યારપછી આર્યરક્ષિત દિક્ષિત થવાનું અને પરિપાટી ક્રમે અધ્યયન કરવાનું સ્વીકારીને કહ્યું કે, હું અહીં પ્રવજિત થઈ શકીશ નહીં. આપણે બીજે જઈએ. કેમકે અહીંનો રાજા મારા પ્રત્યે અનુરાગી છે. બીજા લોકો પણ મને જાણે છે. પછીથી તેઓ મને બળપૂર્વક લઈ જશે. આપણે બીજે જઈએ. ત્યારે તેને લઈને અન્યત્ર ગયા. આ પ્રથમ શિષ્યનિષ્ફટિકા જાણવી. એ પ્રમાણે દીક્ષિત થયેલા આર્યરક્ષિતે ખૂબ જ થોડા સમયમાં અગિયાર અંગો ભણી લીધા. તોસલિપુત્ર આચાર્ય પાસે દૃષ્ટિવાદનું જે કંઈ જ્ઞાન હતું, તે તેણે પ્રાપ્ત કર્યું.
તે વખતે આર્ય વજ (વજસ્વામી) યુગપ્રધાન આચાર્યરૂપે વિખ્યાત હતા. તેમની પાસે દૃષ્ટિવાદનું ઘણું જ જ્ઞાન હતું. ત્યારે આર્યરક્ષિત ઉજ્જયિની મધ્યે તેમની પાસે ગયા. જતાં એવા તે ભદ્રગુપ્ત સ્થવિરની પાસે રોકાયા. તેમણે પણ આર્યરક્ષિતને ધન્ય છો, કૃતાર્થ છો, વગેરે કહીને અનુપબૃહણા કરી. પછી કહ્યું કે, હું સંલેખનાકૃત્ શરીરવાળો છું, મારે કોઈ નિર્ધામક (આરાધનાદિ કરાવનાર) નથી. તો તું નિર્યામક થા. આર્યરક્ષિતે પણ તેમની વાત સ્વીકારી. કેટલોક કાળ વ્યતિત થયા પછી કહ્યું, તું વજસ્વામીજી પાસે ભણવા જરૂર જા, પણ તેની સાથે એક ઉપાશ્રયમાં રહેતો નહીં. કોઈ બીજા સ્થાને રહીને અધ્યયન કરજે. જે તેમની સાથે એક રાત્રિ પણ વસવાટ કરશે, તે તેની સાથે (પછી તરત જ) મૃત્યુ પામશે. ત્યારે આર્યરક્ષિતે તેમનું વચન સ્વીકાર્યું.
ભદ્રગુપ્તાચાર્ય કાળ પામ્યા ત્યારે ત્યાંથી નીકળીને આર્ય રક્ષિતમુનિ વજસ્વામી પાસે ગયા. બહારના સ્થાને રહ્યા. તે વખતે વજસ્વામીએ પણ સ્વપ્ન જોયું. તેમાં થોડું બાકી રહ્યું. તેમણે પણ એ જ વિચાર્યું કે, તેમનું જ્ઞાન કોઈક ગ્રહણ કરવા આવે છે પણ તે પૂરેપૂરું ગ્રહણ કરશે નહીં. તેમની પાસે આર્યરક્ષિત ગયા ત્યારે પૂછયું કે, જ્યાંથી આવો છો ? આર્યરક્ષિતે જવાબ આપ્યો કે, તોસલિપત્ર આચાર્ય પાસેથી આવું છું, વજસ્વામીએ ફરી પૂછયું, કોણ આર્યરક્ષિત ? જ્યાં રહ્યાં છો ? શું ભણવું છે ? આર્યરક્ષિતે ઉત્તર આપ્યો કે, હું બહાર રોકાયો છું ઇત્યાદિ.
ત્યારે વજસ્વામીજીએ પૂછયું કે, બહાર રહીને અધ્યયન કઈ રીતે કરશો ? શું તમને એટલી ખબર નથી કે, દૂર રહીને અધ્યયન કરવું શક્ય નથી ? ત્યારે આર્યરક્ષિત કહ્યું કે, મને ક્ષમાશ્રમણ ભદ્રગુપ્ત સ્થવિરે કહ્યું છે કે, તું જુદા સ્થાને રહેજે. ત્યારે વજસ્વામીએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકીને સત્ય વૃત્તાંત જાણ્યો એટલે કહ્યું, સુંદર, આચાર્યો નિષ્કારણ કંઈ કહેતા નથી. ભલે, તું બહાર રહેજે. ત્યારપછી અધ્યાપન શરૂ કર્યું.