________________
શ્રમણી કથા
૨૫૧
-૦- સુકમાલિકાના એક દરિદ્ર સાથે પુનર્વિવાહ :–
ત્યારે દીવાલની ઓથમાં ઉભેલા સાગરદત્ત સાર્થવાહે સાગરના આ કથનને સાંભળ્યું. સાંભળીને લજ્જિત લોકાપવાદથી શરમ અનુભવતો તે જિનદત્ત સાર્થવાહના ઘેરથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો અને આવીને સુકુમાલિકા દારિકાને બોલાવી, બોલાવીને ખોળામાં બેસાડી, તેણીને આ પ્રમાણે કહ્યું
હે પુત્રી ! સાગરદારકે તારો ત્યાગ કર્યો છે, તો શું થઈ ગયું? હવે હું તને તેવા પુરુષને આપીશ જેને તું ઇષ્ટ – યાવતુ – મણામ થઈશ. આ પ્રમાણે કહીને સુકુમાલિકા દારિકાને ઇષ્ટ – યાવત – પ્રિય વાણી વડે આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને તેને વિદાય કરી.
ત્યારપછી કોઈ એક સમયે ભવનની છત ઉપર સુખપૂર્વક બેઠેલો તે સાગરદત્ત સાર્થવાહ વારંવાર રાજમાર્ગને જોઈ રહ્યો હતો. ત્યારે તે સાગરદત્તે એક અત્યંત નિર્ધનપુરુષને જોયો. જે જીર્ણશીર્ણ ચીંથરાને પહેરેલો હતો. જેના હાથમાં શકોરાનો ટુકડો અને ફૂટેલો ઘડો હતો. જેના માથાના વાળ જટા-જૂટ જેવા વિખરાયેલા હતા અને એટલો મેલો હતો કે તેની ચારે તરફ હજારો માખીઓ બણબણી રહી હતી.
ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે આ નિર્ધન પુરુષને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન દ્વારા પ્રલોભિત કરો, પ્રલોભિત કરીને ઘરમાં લાવો. અંદર લાવીને શકોરા અને ઘડાના ટુકડાને એકાંતમાં એક તરફ ફેંકી દો. ફેંકીને અલંકારિક કર્મ કરાવો (હજામત કરાવો) પછી તેને સ્નાન કરાવી, બલિકર્મ કરાવી, કૌતુક–મંગલ પ્રાયશ્ચિત્તાધિ કરાવી, સર્વ અલંકારો વડે વિભૂષિત કરો, વિભૂષિત કરીને મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન કરાવો, કરાવીને મારી પાસે લાવો.
ત્યારે તે કૌટુંબિક પુરષોએ – યાવતુ – આજ્ઞા સ્વીકારી, સ્વીકારી જ્યાં તે ભિક્ષુક પુરુષ હતો, ત્યાં ગયા, ત્યાં જઈને તે ભિખારીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનું પ્રલોભન આપ્યું. પ્રલોભન આપીને તેને ઘરમાં લાવ્યા. લાવીને તે ભિખારીના શકોરાના ટુકડા અને ઘડાની ઠીકરીને એકાંત સ્થાનમાં એક તરફ ફેંકી દીધા, ત્યારે તે ભિખારી પોતાના શકોરાના ટુકડા અને ઘડાના ઠીકરાને એક તરફ ફેંકાતા જોઈને જોર-જોરથી અવાજ કરીને રોવા–ચીસો પાડવા લાગ્યો.
ત્યારપછી તે સાગરદત્ત સાર્થવાહે તે ભિખારીને જોરજોરથી ઊંચા સ્વરે રડવાચીસો પાડતો સાંભળીને કૌટુંબિક પુરુષોને પૂછ્યું, હે દેવાનુપ્રિયો ! તે ભિખારી પુરુષ જોરજોરથી કેમ રડી રહ્યો છે? ત્યારે તે કૌટુંબિક પુરુષોએ આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! તે પોતાના ફૂટેલા શકોરા અને ઘડાના ઠીકરાને એકાંત સ્થાનમાં એક તરફ ફેંકાતા જોઈને જોર-જોરથી રડી રહ્યો છે.
ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે તે ભિખારીના ફૂટેલા શકોરા અને ઘડાના ઠીકરાને એકાંતમાં ફેંકો નહીં. તેમની પાસે જ રહેવા દ્યો. જેથી કરીને તેને અવિશ્વાસ ન થાય. આ સાંભળીને તેઓએ તે