________________
શ્રમણી કથા
૩૭૯
૦ સુકુમાલિકા (૨) સાધ્વીની કથા :
(સુકુમાલિકાની કથા સંબંધે ઉપદેશપદ ઉપદેશપ્રાસાદ આદિ ગ્રંથોની જૂઆતો ભિન્ન ભિન્ન છે. તેથી પ્રચલિત બનેલી કથાના અંશો અહીં નજરે ન પણ ચડે તેવું બને અને અનુભવાય પણ ખરું – અમારો આધાર ખંભ કેવળ આગમો હોવાથી અમે આ કથા બૂડતુકલ્પ નિશીથ અને ગચ્છાચારની ટીકાને આધારે જ નોધેલ છે)
આજ અર્ધભરતક્ષેત્રમાં વારાણસી નગરીમાં વાસુદેવના જ્યેષ્ઠભાઈ એવા જરાકુમારના પુત્ર જિતશત્રુ નામે રાજા હતા. તેમને શશક અને ભસક નામે બે પુત્રો હતા અને સુકુમાલિકા નામે એક પુત્રી હતી. તે સુકુમાલિકા યૌવન વયને પ્રાપ્ત થઈ ત્યારે દેવાંગના તુલ્ય રૂપવાળી હતી. તેણી અતીવ સુકુમાર અને રૂપવતી હતી. ૦ સુકુમાલિકાની દીક્ષા વિશે બે ભિન્ન મત :
(૧) નિશીથ ભાષ્ય ર૩પ૧ + ચૂર્ણિ ગચ્છાચાર મૂલ-૮૪ની વૃત્તિ –
આ બંને આગમો પ્રમાણે – અશીવને કારણે તેમનો સર્વ કુલવંશ ક્ષીણ થયો ત્યારે માત્ર શશક, ભસક અને સુકુમાલિકા બચ્યા. ત્રણે એ કુમારપણામાં દીક્ષા લીધી.
(૨) બૃહકલ્પ ભાષ્ય પર૫પની વૃત્તિ પ્રમાણે :
કોઈ વખતે શશક અને ભસક બંને ભાઈઓએ દીક્ષા લીધી. તે બંને ગીતાર્થ થયા. તેમના નગરે પાછા ફર્યા. ત્યારે સર્વ કુળ–વંશનો અશિવ-ઉપદ્રવને કારણે ક્ષય થઈ ગયો જોયો. તે વખતે અતીવ સુકમાર અને રૂપવતી એવી સુકમાલિકાના રક્ષણને માટે કોઈ ઉપાય કરવો જરૂરી હતો, કેમકે તેણી એક જ જીવતી રહેલી. ત્યારે તે બે ભાઈ મુનિએ સુકુમાલિકાને પણ દીક્ષા અપાવડાવી. પછી તુરુમિણિ નગરીએ જઈ મહત્તરિકાને સોંપી.
સુકુમાલિકા સાધ્વી અતીવ રૂપવતી હતા, તેથી તેઓ જ્યાં જ્યાં ભિક્ષાવિહાર આદિને કારણે જતા, ત્યાં ત્યાં તરૂણ યુવાનો તેની પાછળ-પાછળ જવા લાગતા. તેને કારણે સુકુમાલિકા ભિક્ષાદિને માટે જઈ શકતા ન હતા. વળી જ્યારે વસતિમાં પ્રવેશ કરે ત્યારે પણ તેણીના નિમિત્તે યુવાનો ઉપાશ્રયમાં પ્રવેશીને રહેતા કે ઉપાશ્રયમાં આવી જતા. સંયતિઓ-સાધ્વીઓ પડિલેહણ આદિ ક્રિયા પણ કરી શકતા ન હતા. ત્યારે તે મહત્તરિકા ગુરુણીને ગુરુ ભગવંતને કહ્યું કે, સુકુમાલિકા સાધ્વી માટે કંઈક કરો, અન્યથા બધું જ વિનાશ પામશે.
ત્યારે ગુરુ ભગવંતે શશક અને ભસક મુનિને કહ્યું કે, તમારી બેન સાથ્વીનું તમે સંરક્ષણ કરો. પછી તે બંને મુનિ સુકુમાલિકા સાધ્વીને અલગ ઉપાશ્રયમાં રાખીને તેણીનું રક્ષણ કરવા લાગ્યા. એક ભાઈ મુનિ જ્યારે ભિક્ષાર્થે જાય ત્યારે બીજા ભાઈમુનિ સર્વ પ્રયત્નપૂર્વક બેન સાધ્વીની રક્ષા કરતા હતા.
તે બંને ભાઈ મુનિઓ સહઅયોધી હતા અર્થાત્ યુદ્ધમાં એક હજાર જણાને પહોંચી વળવા સમર્થ હતા. જે કોઈ તરુણ–યુવાન ત્યાં આવી ચડતા તેને હતમથિત કરીને ત્યાંથી ભગાડી મુક્તા હતા. તેથી જેની–જેની તેઓ વિરાધના કરતા ત્યાં ત્યાં તેમને ભિક્ષા મળતી નહીં. ત્યારે તેમાંના એક ભાઈમુનિ ભિક્ષા માટે ભ્રમણ કરવા ગયા. પણ ત્રણને પર્યાપ્ત થાય તેટલી ભિક્ષા ન મળી. પછી બીજા ભાઈમુનિ દેશકાળ જોઈને ગયા, પણ ભિક્ષા પ્રાપ્ત ન થઈ. ત્યારે સુકુમાલિકા સાધ્વીએ કહ્યું કે, તમે દુઃખી ન થાઓ. હું ભક્ત પ્રત્યાખ્યાન કરીશ.