________________
૨૬૬
આગમ કથાનુયોગ-૪
નગર હતું, ત્યાં આવ્યા.
ત્યારપછી તે પાંડુરાજાએ તે વાસુદેવ આદિનું આગમન થયું જાણી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ ઘણાં જ રાજાઓને માટે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત આવાસ તૈયાર કરાવો, કરાવીને મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય થયાની મને સૂચના આપો. તેઓએ પણ એ જ પ્રમાણે આવાસો તૈયાર કરાવી પાંડુરાજાને તેની જાણ કરી.
ત્યારે તે વાસુદેવ આદિ અનેક હજારો રાજા જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. ત્યારે તે પાંડુરાજાએ તે વાસુદેવ વગેરે હજારો રાજાનું આગમન જાણીને હર્ષિતસંતુષ્ટ થઈને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું અને દ્રુપદ રાજાની માફક તેઓના સત્કાર–સન્માન કર્યા – યાવંત્ – યથાયોગ્ય આવાસ આપ્યા. ત્યારે તે વાસુદેવ આદિ હજારો રાજા જ્યાં પોતપોતાના આવાસ હતા, ત્યાં આવ્યા અને તે જ પ્રકારે – યાવત્ – વિચરવા લાગ્યા.
ત્યારપછી પાંડુરાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશીને કૌટુંબિક પરષોને બોલાવ્યા, બોલાવીને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર આવાસોમાં લઈ જાઓ. તેઓ પણ એ જ પ્રમાણે લઈ ગયા.
ત્યારપછી તે વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક–મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યા. પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતા – યાવત્ – તે જ પ્રમાણે વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી પાંડુરાજાએ પાંચે પાંડવો અને દ્રૌપદીદેવીને પટ્ટ પર બેસાડ્યા, બેસાડીને ચાંદી–સોનાના કળશો દ્વારા સ્નાન કરાવ્યું. કરાવીને કલ્યાણકારક ઉત્સવ કર્યો. કરીને તે વાસુદેવ આદિ હજારો રાજાઓને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારો વડે સત્કાર કર્યો, સન્માન કર્યું અને પછી વિદાય કર્યા.
ત્યારે તે વાસુદેવ આદિ ઘણાં જ – હજારો રાજા પાંડુરાજા પાસેથી વિદાય લઈને જ્યાં પોતપોતાના રાજ્ય હતા, જ્યાં પોતપોતાના નગર હતા, ત્યાં પાછા ફર્યા.
ત્યારપછી તે પાંચે પાંડવો દ્રૌપદીદેવી સાથે રોજેરોજ વારા પ્રમાણે ભોગોપભોગ કરતા વિચારવા લાગ્યા. ૦ નારદનું આગમન :
ત્યારપછી કોઈ એક સમયે પાંડુરાજા, પાંચ પાંડવો. કુંતી રાણી, દ્રૌપદી તથા અંતઃપુરના પારિવારિક લોકોની સાથે સંપરિવૃત્ત થઈને શ્રેષ્ઠ સિંહાસન પર આસીન હતા.
આ તરફ એ જ સમયે અતિભદ્ર પરંતુ અંતરંગમાં કલુષિત હૃદયવાળા, ઉપરથી માધ્યસ્થ ભાવથી સંપન્ન જેવા, દર્શકો અને આશ્રિતજનોને જેનું દર્શન અલ્લાદક અને પ્રીતિજનક પ્રતીત થતું હતું. તે સુંદર રૂપ સંપન્ન હતા. શ્વેત સ્વચ્છ વસ્ત્ર પહેરેલ હતું. તેમના વક્ષસ્થળ ઉપર મૃર્ગચર્મનું ઉત્તરાસંગ સુશોભિત હતું. તેમના હાથમાં કમંડલ અને દંડ હતો. તેમનું મસ્તક જટારૂપી મુગટથી દીપ્તમાન થઈ રહ્યું હતું. જેમણે યજ્ઞોપવીત, ગણેયિકા (રુદ્રાક્ષની માળા), મુંજની કટિમેખલા અને વલ્કલના વસ્ત્ર ધારણ કરેલા હતા.
તે નારદના હાથમાં કચ્છપી નામે વીણા હતી. જે સંગીતના પ્રેમી હતા.