________________
૩૪૦
આગમ કથાનુયોગ-૪
પ્રતીતિ કરું છું, રુચિ કરું છું. તથા આપે જે પ્રમાણે ઉપદેશ કર્યો છે, નિગ્રંથ પ્રવચન તે પ્રમાણે જ છે, સત્ય છે, સર્વથા સત્ય છે – યાવત્ – હું શ્રાવકધર્મનો સ્વીકાર કરું છું.
હે દેવાનુપ્રિયે જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી તે આર્યાઓની પાસેથી – યાવત્ - શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને તે આર્યાઓને વંદન–નમસ્કાર કર્યો. વંદન–નમસ્કાર કરીને વિદાય આપી. ત્યારપછી સુભદ્રા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવતુ – વિચારવા લાગી. ૦ સુભદ્રાની પ્રવજ્યા :
ત્યારપછી તે સુભદ્રા શ્રમણોપાસિકાને કોઈ એક દિવસે મધ્યરાત્રિએ કૌટુંબિક જાગરણથી જાગતી હતી ત્યારે પરિવારના વિષયમાં વિચાર કરતા-કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું ભદ્ર સાર્થવાહ સાથે વિપુલ ભોગોપભોગ ભોગવતી એવી – યાવત્ – વિચરું છું. પણ મેં એક પણ બાળક કે બાલિકાને જન્મ આપેલ નથી. તેથી મારા માટે શ્રેયસ્કર છે કે – કાલે – ચાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી ભદ્ર સાર્થવાહની અનુમતિ લઈને સુવ્રતા આર્યાની પાસે આર્યા (શ્રમણી) થઈને ગૃહવાસનો ત્યાગ કરી – યાવત્ – પ્રવજ્યા ગ્રહણ કરું.
આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં ભદ્ર સાર્થવાહ હતો, ત્યાં આવી બંને હાથ જોડી – યાવત્ – આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભોગોપભોગોને ભોગવતી – યાવતુ – વિચરણ કરી રહી છું. પરંતુ મેં એકપણ બાલક કે બાલિકાને જન્મ આપેલ નથી. તેથી હવે આપની આજ્ઞા પ્રાપ્ત કરી સુવ્રતા આર્યાની પાસે મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થવાને ઇચ્છું છું.
ત્યારે તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું હમણાં મુંડિત ન થા – યાવતુ – પ્રવ્રજિત ન થા. પરંતુ દેવાનુપ્રિય ભોગોપભોગને ભોગવ. મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવ્યા પછી તું ભુક્તભોગી થઈને સુવ્રતા આર્યાની પાસે – યાવતુ – પ્રવ્રજિત થજે.
ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્રસાર્થવાહના આ વચનનો આદર ન કર્યો. પણ બીજી અને ત્રીજી વખત પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા પામીને – વાવ – પ્રવ્રયા અંગીકાર કરવા ઇચ્છું છું.
ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ જ્યારે ઘણાં પ્રકારે આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞપ્તિઓ દ્વારા કહેવા પછી પણ – યાવત્ - સમજાવવામાં સમર્થ ન થયો ત્યારે તેણે અનિચ્છાએ સુભદ્રાને દીક્ષા લેવા અનુમતિ આપી.
ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમરૂપ ચાર પ્રકારનું ભોજન બનાવડાવ્યું. પછી મિત્રો, જ્ઞાતિબંધુઓને આમંત્રિત કર્યા. ત્યારપછી ભોજનવેળાએ – યાવત્ – મિત્રો, જ્ઞાતિબંધુઓનો સત્કાર–સન્માન કર્યા. સુભદ્રા સાર્થવાહી સ્નાન કરીને - યાવત્ – પ્રાયશ્ચિત્ત કરીને સર્વ અલંકારોથી વિભૂષિત થઈને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા પર બેઠી.