________________
૨૯૪
આગમ કથાનુયોગ-૪
રાજધુરાના ચિંતક છો. તેથી હે દેવાનુપ્રિયે ! જો રાજલક્ષણોથી યુક્ત કોઈ કુમાર હોય અને અભિષેકને યોગ્ય હોય તો તે અમને આપો. જેનાથી અમે તેનો મહાનું રાજ્યાભિષેકથી અભિષેક કરીએ.
ત્યારપછી તેટલીપુત્રએ તે ઈશ્વર આદિના એ કથનને સ્વીકાર્યું. સ્વીકાર કરીને કનકધ્વજકુમારને સ્નાન કરાવ્યું – યાવત્ – શોભાસહિત વિભૂષિત કર્યો, વિભૂષિત કરીને તેને ઈશ્વર આદિની પાસે લાવ્યા. પાસે લાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતી રાણીનો આત્મજ કનકધ્વજ નામક કુમાર અભિષેકને યોગ્ય છે તથા રાજલક્ષણોથી સંપન્ન છે કનકરથ રાજાથી છૂપાવીને મેં તેનું સંવર્ધન કરેલ છે. તમે લોકો મહાનું રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરો.
ત્યારપછી તેટલીપુત્રએ કુમારના જન્મ અને સંવર્ધન આદિનો સર્વ વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. ત્યારે તે ઈશ્વર આદિએ કનકધ્વજ કુમારનો મહાનું રાજ્યાભિષેક વડે અભિષેક કર્યો. ત્યારે તે કનકધ્વજકુમાર રાજા થઈ ગયો. માહિમવાન, મલયપર્વત, મંદરપર્વત શ્રેષ્ઠ ઇન્દ્રસમાન ઇત્યાદિ – યાવત્ – તે રાજ્યના પ્રશાસન, પાલનને કરતો વિચારવા લાગ્યો. ૦ તેટલીપુત્રનું સન્માન અને દેવ દ્વારા પ્રતિબોધ ઉપાય :
ત્યારપછી પદ્માવતીદેવીએ કનકધ્વજ રાજાને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું, હે પુત્ર! તારું આ રાજ્ય, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુર તથા તું પણ તેટલીપુત્ર અમાત્યના પ્રભાવથી સુરક્ષિત રહ્યો છે. તેથી તું તેટલીપુત્ર અમાત્યનો આદર કરજે. તેમને તારા હિતૈષી જાણજે. તેમનું સત્કાર-સન્માન કરજે. તેમને આવતા જોઈ ઊભો થજે. આવીને ઊભા રહે ત્યારે તેમની ઉપાસના–સેવા કરજે અને તેઓ પાછા જાય
ત્યારે પાછળ-પાછળ ચાલજે, તેમના બોલવા પર તેમના વચનોની પ્રશંસા કરજે. તેમને તારી પાસે અર્ધા આસને બેસાજે અને તેમના ભોગો (વેતનાદિ)ની વૃદ્ધિ કરજે.
ત્યારે તે કનકધ્વજ રાજાએ “ઘણું સારું” કહીને પદ્માવતીદેવીના કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેટલીપુત્ર અમાત્યનો આદર કરે છે, તેમને પોતાના હિતૈષી જાણે છે, તેમનો સત્કાર–સન્માન કરે છે. આવતા જુએ ત્યારે આસનેથી ઉઠે છે અને પાછા જાય ત્યારે તેની પાછળ-પાછળ ચાલે છે. ઊભા થાય ત્યારે તેની પર્થપાસના–સેવા કરે છે. તેમના વચનોની પ્રશંસા કરે છે. પોતાની નજીક અર્ધા આસન પર બેસે છે તેના ભોગો (વેતનાદિ)માં વૃદ્ધિ કરે છે.
ત્યારપછી તે પોઠ્ઠિલદેવે તેટલીપુત્રને વારંવાર કેવલિપ્રરૂપિત ધર્મથી સંબોધિત કર્યો, પણ તેટલીપુત્ર પ્રતિબોધ પામ્યા નહીં. ત્યારે તે પોઠ્ઠિલદેવને આ પ્રકારનો આવો માનસિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, કનકધ્વજ રાજા તેટલીપુત્રનો આદર કરે છે – યાવત્ – તેમના ભોગોમાં વૃદ્ધિ કરે છે. જેના લીધે તે તેટલીપુત્ર વારંવાર સંબોધિત કરાયા છતાં પણ ધર્મમાં પ્રતિબદ્ધ થતા નથી. તેથી મારા માટે એ શ્રેયસ્કર થશે કે કનકધ્વજને તેટલીપુત્રથી વિમુખ કરી દઉં. આ વિચાર કર્યો અને કહીને કનકધ્વજને તેટલીપુત્રથી વિમુખ કરી દીધો.