________________
૧૮૬
આગમ કથાનુયોગ-૪
મહાવીરની ત્રિકાળ પૂજા કરતો હતો. દરરોજ સોનાના બનેલા ૧૦૮ જવ વડે અગ્રપૂજા કરતો હતો. તેથી ગભરાયેલા સોનીએ કહ્યું કે, મને જલ્દી બતાવો કે જવલા ક્યાં ગયા? નહીંતર રાજા આવીને મને કુટુંબ સહિત મારી નંખાવશે.
ત્યારે મુનિએ વિચાર્યું કે, જો હું આને સાચી વાત કરીશ કે, જવલા ક્રૌંચ પક્ષી ચણી ગયું છે, તો આ સોની તેને અવશ્ય મારી નાંખશે. એમ ધારીને તે મૌન રહ્યા. ત્યારે તે સોની બોલ્યો – તમે જ ચોર લાગો છો, તમે જ જવલા ચોર્યા છે, માટે જ તમે બોલતા નથી. તેણે ચામડાની વાધરને પાણીમાં ભીની કરી, મુનિના મસ્તક ઉપર સજ્જડ બાંધી દીધી. જેમ જેમ વાધર તડકામાં સૂકાવા લાગી તેમ તેમ વાધર ખેંચાવા લાગી, તેની વેદનાથી મેતાર્યમુનિના ચક્ષુ બહાર નીકળી ગયા.
મેતાર્યમુનિ તે વખતે શુભ ધ્યાનમાં જ રહ્યા. ક્રૌંચ પક્ષીના જીવનને બચાવવા માટે પોતાના જીવનના ભોગે પણ તે પક્ષીના પ્રાણની રક્ષા કરી. તેમ કરતા કરતા શુક્લધ્યાનની ધારાએ ચઢેલા મેતાર્યમુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં જ તેમનું આયુષ્ય પૂર્ણ થયું અને કાળધર્મ પામીને મોશે પહોંચ્યા, અંતકૃત્ કેવલી થયા. આ સમયે કોઈક કાષ્ઠ ભારી લાવનારે ત્યાં કાષ્ઠની ભારી નાંખી. તેમાંથી એક કાષ્ઠ ખંડ ક્રૌંચ પક્ષીના પેટમાં વાગ્યો. ભય પામેલા પક્ષીએ પેલા ગળેલા જવલા ત્યાંજ છૂટાછવાયા ઓકી નાંખ્યા. લોકોએ તે જોયું.
ત્યારે લોકોએ તેનો ઘણો જ તિરસ્કાર કર્યો. લોકો કહેવા લાગ્યા કે, આ સોનીએ રાજાના જમાઈ મુનિનો વ્યર્થ ઘાત કર્યો. માટે રાજા તેનો સહકુટુંબ વધ કરશે. સોની તે સાંભળી મનમાં ઘણો જ ક્ષોભ પામ્યો. તે વિચારવા લાગ્યો કે, હવે મારી શી ગતિ થશે? હવે મારા પ્રાણની રક્ષા કરવા માટે શું કરવું ? અત્યારે તો બચવાનો માત્ર એક જ ઉપાય છે – મારે પ્રવજ્યાનો સ્વીકાર કરવો. તે પ્રમાણે વિચારીને બારણા – કમાડ બંધ કરી દીધા. આખા કુટુંબ સહિત તેણે યતિવેષ ગ્રહણ કરી લીધો.
- જ્યારે રાજાના સેવકો સોનાના જવલા લેવા આવ્યા ત્યારે સોનીએ મુનિનો ઘાત કર્યાની સર્વ વાત જાણી. આ સર્વ વૃત્તાંત સેવકોએ રાજાને નિવેદન કર્યો. ત્યારે કોપાયમાન થયેલા શ્રેણિક રાજાએ તે સોનીનો કુટુંબ સહિત વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે પ્રચંડ ઊંચા દંડ લઈને રાજસેવકો સોનીને ઘેર આવી પહોંચ્યા. આખા કુટુંબ સહિત સોનીને પ્રવજિત થયેલ જોઈ દંડનો અગ્ર ભાગ બતાવીને રાજસેવકો રાજા પાસે પાછા ફર્યા. રાજાને તે વાત કહી.
રાજા પોતે ત્યાં આવ્યો, ત્યારે સોનીએ તેને ધર્મલાભ કહ્યો. રાજા સમજી ગયો કે, આણે બચવા માટે જ મુનિવેશ ધારણ કર્યો છે. ત્યારે તેને કહ્યું, તે મરવાના ડરથી જ મુનિવેશ ધારણ કર્યો છે. પણ જો હવે તમારામાંથી કોઈ દીક્ષા છોડી દેશો તો તમારો ઘાત કરી દઈશ. જો એક પણ વ્રતનો ત્યાગ કર્યો છે. શારીરિક-પ્રાણાંતિક દંડ કરીશ.
આ પ્રમાણે જેવી રીતે મેતાર્યમુનિએ પોતાના પ્રાણના ભોગે પણ ક્રૌંચ પક્ષીને બચાવ્યું અને સમયિકરૂપ સામાયિકની સાધના કરી, તે રીતે બીજાએ પણ જીવોનું રક્ષણ કરવું જોઈએ.