________________
૧૮૪
આગમ કથાનુયોગ-૪
માંસભક્ષણનો દોહદ ઉત્પન્ન થયો. આ દોહદ ચાંડાલણીએ માંસ લાવી આપીને પૂર્ણ કર્યો. તેથી શ્રેષ્ઠી પત્ની તેના તરફ પ્રીતિવાળી થઈ. કોઈની પાસે એકબીજાનું રહસ્ય ન કહેવાનું તેણીએ પરસ્પર વચન આપ્યું.
શ્રેષ્ઠી પત્ની મૃતવત્સા હતી અર્થાત્ તેને જે બાળક જન્મે તે મૃત્યુ પામતા હતા. આ વાત શ્રેષ્ઠીપત્નીએ ચાંડાલણીને કરી. બંને સાથે જ ગર્ભવતી થઈ હતી, તેથી ચાંડાલણીએ તેણીને વચન આપ્યું કે આપણે બાળક જન્મશે ત્યારે પરસ્પર બદલી કરી નાંખશું. પછી જ્યારે બંનેને પ્રસવ થયો ત્યારે મેતી ચાંડાલણીને પુત્ર જન્મ્યો, શ્રેષ્ઠી પત્નીને મૃત પુત્રી જન્મી. બંનેએ પરસ્પર બાળકો બદલી દીધા.
જ્યારે મેતી ચાંડાલણી શ્રેષ્ઠીના ઘેર આવીને કહેવા લાગી કે, આ તારો પુત્ર વૃદ્ધિ પામો, દીર્ઘકાળ સુધી જીવો ત્યારે શેઠ તે પુત્રનું જન્મોત્સવપૂર્વક નામ પાડ્યું. “મેતાર્ય” મેતાર્ય શેઠને ત્યાં પાલનપોષણ પામતો મોટો થવા લાગ્યો. તેણે સમગ્ર કળાઓનો અભ્યાસ કર્યો. એમ કરતા સોળ વર્ષનો થયો. ત્યારે તેનો મિત્ર એવા રાજપુત્ર દેવ સ્વર્ગથી મેતાર્યને પ્રતિબોધ કરવા આવ્યો. દીક્ષા ગ્રહણ કરવા માટે વારંવાર પ્રેરણા કરવા લાગ્યો. તો પણ મેતાર્ય બોધ પામ્યો નહીં.
ત્યારપછી શ્રેષ્ઠીએ અતિ રૂપવતી, લાવણ્યયુક્ત વદનવાળી આઠ કન્યાઓ સાથે મેતાર્યનો વિવાહ કર્યો. શુભ દિવસે લગ્નના અવસરે મેતાર્ય શિબિકામાં બેસીને પરણવા નીકળ્યો. ત્યારે પેલો મિત્રદેવ ચાંડાળના શરીરમાં પ્રવેશ કરીને મોટે મોટેથી રૂદન કરવા લાગ્યો. ચાંડાલણીએ રૂદન કરવાનું કારણ પૂછયું. ત્યારે ચાંડાલે કહ્યું કે, આજે હું રાજમાર્ગથી આવતો હતો ત્યારે મેં મેતાર્યનો ઠાઠ–માઠ સહિત થતો વિવાહ મહોત્સવ જોયો. જો આપણી પુત્રી જીવતી હોત તો હું પણ તેનો આવો વિવાહ મહોત્સવ કરતા ત્યારે પોતાના પતિનું આવું દુઃખ જોઈને ચાંડાલણીએ તેને મેતાર્યનું ખરું રહસ્ય કહી દીધું. મેતાર્ય જ મારો પુત્ર છે. તે પુત્રી તો શ્રેષ્ઠીની હતી.
ત્યારે તે ચાંડાળ રોષે ભરાઈને કહેવા લાગ્યો કે, તે આ ઘણું જ ખોટું કાર્ય કર્યું. એમ બોલતો તે મેતાર્ય પાસે પહોંચ્યો. રાજમાર્ગ પર જ મેતાર્યને શિબિકામાંથી ઉતારીને કહેવા લાગ્યો, હે પુત્ર! તું મારો પુત્ર છે. આ ઉત્તમ જાતિની કન્યા સાથે લગ્ન કરીને તેમને કેમ વટલાવે છે ? આ પાપિણી તારી માતાએ તને આ શ્રેષ્ઠીને ત્યાં અર્પણ કરેલો છે. ચાલ ચાંડાળના પાડામાં પાછો ફર, આપણા કુળને યોગ્ય કન્યા પરણ. એમ કહીને તે મેતાર્યને પોતાને ઘેર ઢસડી ગયા.
સમગ્ર માતા–પિતાના કન્યા અતિ લોભ પામ્યા. તેઓ દિમૂઢ થઈ ગયા. ત્યારે પેલા દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું, આપણે સ્વર્ગમાં હતા ત્યારે એકબીજાને પ્રતિબોધ પમાડવાની પ્રતિજ્ઞા કરેલી. મેં તને ઘણો સમજાવ્યો, પણ તું માન્યો નહીં. માટે મારે આમ કરવું પડેલા છે. માટે હવે દીક્ષા ગ્રહણ કરી મનુષ્ય જન્મ સફળ કર. જો તું પ્રવ્રજ્યા અંગીકાર કરવા તૈયાર થાય તો હું તને આ ચાંડાળના કૂબામાંથી બહાર કાઢું. ત્યારે મેતાર્યે કહ્યું કે, તેં મને પ્રતિબોધ કર્યો. તે તો ઘણું સારું કર્યું, પણ લોકોમાં મારી ઘણી હલકાઈ કરાવી છે, તેનું નિવારણ કર. તું મને બાર વર્ષ વિષયો ભોગવવા દે, પછી તું જેમ કહે તેમ હું કરીશ.